
- દેશમાં ફરીથી કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું
- ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હવે મધ્યપ્રદેશ સરકારે લીધો નિર્ણય
- મધ્યપ્રદેશ સરકારે ભોપાલ-ઇન્દોરમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ કર્યો
નવી દિલ્હી: દેશમાં ફરીથી કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રને પગલે મધ્ય પ્રદેશના કેટલાક શહેરોમાં પણ નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. મધ્યપ્રદેશ સરકારે ભોપાલ અને ઇન્દોરમાં આગામી આદેશ સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, બુરાનપુર, છિંદવાડા, બેતૂલ, ખરગોનની બજારોમાં પણ કેટલાક પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશ સરકારે આ 8 શહેરોમાં રાત્રે 10 વાગ્યા પછી કોઇપણ દુકાનો ખુલી નહીં રાખવા આદેશ આપ્યા છે. મહારાષ્ટ્રના નાગપુર, પુણે, અકોલા જેવા શહેરોમાં પહેલેથી જ પ્રતિબંધ લાગૂ કરી દેવાયો છે. મધ્ય ભારતનો મોટાભાગનો પ્રદેશ કોરોનાની ઝપેટમાં આવ્યો હોવાથી હવે રાજ્ય સરકારે કડક નિયમો લાગૂ કરવાનું શરૂ કર્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અગાઉ પણ કડક પગલાં લેવાના સંકેત આપ્યા છે.
મધ્ય પ્રદેશમાં સોમવારે કોરોના વાયરસના નવા 797 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ કેસ લોડ વધીને 2,69,391 થયો હતો. રાજ્યમાં 24 કલાકમાં વધુ ત્રણ દર્દીનાં મોત થયા હતા. કુલ મૃત્યુઆંત 3,890 પરો પહોંચ્યો હતો.
હોળીના પર્વને અનુલક્ષીને રાજ્ય સરકારે જણાવ્યું છે કે કોઈપણ સ્થળે જાહેર ઉજવણી કરવામાં નહીં આવે અને દરેક લોકોએ વ્યક્તિગત રીતે હોળીનો તહેવાર ઉજવવો પડશે. મહારાષ્ટ્રમાંથી આવતા લોકો માટે થર્મલ સ્ક્રીનિંગ તેમજ એક સપ્તાહ સુધી આઈસોલેટ કરવાનો નિયમ યથાવત્ રખાયો છે.
(સંકેત)