
- કોરોનાની ત્રીજી લહેર અંગે નિષ્ણાતોએ આપી ચેતવણી
- ઑક્ટોબર સુધીમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે
- વિશ્વભરના 40 નિષ્ણાતોએ આ અંગે મંતવ્ય આપ્યો
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરે જે રીતે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રકોપ વર્તાવ્યો છે તેને લઇને હવે ત્રીજી લહેરને લઇને પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારના ચીફ સાઇટિંફિક એડવાઇઝ પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, કોરોનાની ત્રીજી લહેર અવશ્ય આવશે. જો કે હાલમા આ ત્રીજી લહેર કેટલી ઘાતક રહેશે તેના પર સંશોધન ચાલી રહ્યું છે.
એક સમાચાર એજન્સીએ વિશ્વના અલગ અલગ 40 નિષ્ણાતો સાથે આ મુદ્દે વાત કરી છે. આ ઓપિનિયન પોલ અનુસાર ભારતમાં ત્રીજી લહેર ઑક્ટોબર મહિના સુધી આવી શકે છે. કેટલાકે સપ્ટેમ્બર અને ઑગસ્ટ મહિના સુધી પણ ત્રીજી લહેર આવે એવી સંભાવના દર્શાવી છે. જો કે લગભગ 70 ટકા નિષ્ણાતો અનુસાર ભારત બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેરનો સામનો પ્રભાવી રૂપથી કરી શકશે.
ત્રીજી લહેર પર નિયંત્રણ અંગે એઇમ્સ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, ત્રીજી લહેર નિયંત્રિત થઇ શકે છે કારણ કે ત્યાં સુધી વેક્સિનેશનનો દાયરો પણ ઘણો વધી ગયો હશે. ત્રીજી લહેર આવે ત્યાં સુધીમાં દેશમાં મોટી સંખ્યામાં લોકોને કોરોના વેક્સિન મળી જશે.
ત્રીજી લહેર માટે માનવામાં આવી રહ્યું છે કે તે બાળકોને સૌથી વધુ પ્રભાવિત કરશે. આ વાત પર બે તૃત્યાંશ નિષ્ણાતો સહમત છે.