- જમ્મૂ કાશ્મીરમાં નાગરિકોની હત્યાનો ભેદ ઉકેલાશે
- હવે આ સમગ્ર મામલાની તપાસ NIA કરશે
- સરકારે પણ હુમલાના કાવતરાને જવાબ આપવા માટે બનાવી રણનીતિ
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં બે નાગરિકોની નિર્મમ હત્યા બાદ ત્યાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. પરપ્રાંતિય શ્રમિકો મોટા પાયે હિજરત કરી રહ્યાં છે. અન્ય રાજ્યોના શ્રમિકો વતન વાપસી કરી રહ્યા છે. હવે સરકારે પણ પાકિસ્તાન દ્વારા પ્રાયોજીત આ પ્રકારના કાવતરાનો જવાબ આપવા માટે એક રણનીતિ તૈયાર કરી છે. હવે જમ્મૂ કાશ્મીરમાં બે નાગરિકની હત્યાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજનીસને સોંપવામાં આવશે.
સરહદ પારથી દેશમાં ઘૂસણખોરી કરીને આતંકવાદને અંજામ આપતા આંતકીઓ સામે સુરક્ષા દળો હવે જડબાતોડ કાર્યવાહી કરશે. સરહદ પારના હેન્ડલરોના નેટવર્કને તોડવા માટે, સુરક્ષા દળ સમગ્ર ઘાટીમાં આતંકીઓ તેમજ તેમના સહયોગીઓ પર હુમલો કરશે. જમ્મૂ કાશ્મીરમાં આ મહિના દરમિયાન અત્યારસુધીમાં 11 નાગરિકોના મોત થયા છે.
જમ્મૂ કાશ્મીરમાં થયેલી હત્યાની તપાસ હવે ગૃહ મંત્રાલયે NIAને સોંપી છે અને હવે NIA જમ્મૂ કાશ્મીર પોલીસ પાસેથી તેના સંબંધિત તમામ ચાર કેસ હાથમાં લેશે. સુરક્ષા એજન્સીઓની તાજેતરની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ રણનીતિ તૈયાર કરવામાં આવી છે જેથી આ પ્રકારની ઘટનાઓને રોકી શકાય.
તાજેતરમાં હત્યાની ઘટના બની હતી જેમાં કુલગામ જીલ્લાના વાનપોહ વિસ્તારમાં બિહારના બે શ્રમિકોને ગોળી ધરબીને હત્યા કરી નાંખવામાં આવી હતી. ત્રીજો કામદાર ઘાયલ થયો હતો. તેના એક દિવસ પહેલા બિહારના એક ગોલગપ્પા વિક્રેતા અને ઉત્તર પ્રદેશના એક સુધારનું પણ મોત થયું હતું.
આ ઘટનાઓ એ વાતની સાબિતી આપી છે કે આતંકીઓ હાલમાં જમ્મૂ કાશ્મીરમાં બિન કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યાં છે. આતંકીઓ ખાસ કરીને બિહારીઓ, પંડિતો, કેટલીક દવાની દુકાનોના માલિકોની હત્યા કરી રહ્યાં છે.