ગોબર આધારિત સ્વચ્છ ઊર્જાને નવી દિશા આપતો બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ કરાયો
પાલનપુર, 19 જાન્યુઆરી 2026: બનાસકાંઠાના વિકાસમાં એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાતાં વડગામ તાલુકાના ભૂખલા ખાતે બનાસ ડેરી દ્વારા સ્થપાયેલ બનાસ બાયો-સીએનજી- બનાસ મોડેલ પ્લાન્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લઈને વેસ્ટેજ બટાકાના ઉપયોગ, કુદરતી ખાતર બનાવવાની પ્રક્રિયા તેમજ ગેસ શુધ્ધિકરણ યુનિટ સહિત સમગ્ર પ્લાન્ટની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ ધરતી, ખેડૂત અને આવનાર પેઢીના સ્વસ્થ ભવિષ્યની સાચી દિશા છે. આજે દરેક ગામમાં ગોબરના ઢગલા જોવા મળે છે, જે પર્યાવરણ માટે હાનિકારક છે. ગોબરમાંથી ઉત્પન્ન થતો મિથેન ગેસ કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૨૫ થી ૩૦ ગણો વધુ નુકસાનકારક હોવાનું વૈજ્ઞાનિક અહેવાલોમાં દર્શાવવામાં આવ્યું છે. આવા સંજોગોમાં ગોબર આધારિત બાયો-સીએનજી પ્લાન્ટ પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો કરશે.
રાજ્યપાલએ જણાવ્યું કે, UNOના અહેવાલો અનુસાર રાસાયણિક ખેતીના કારણે ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. યુરિયા અને ડી.એ.પી ખાતરના ઉપયોગથી નાઈટ્રસ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 273 થી 300 ગણું વધુ હાનિકારક છે. આ કારણે અતિવૃષ્ટિ, દુષ્કાળ અને કુદરતી આફતોમાં વધારો થઈ રહ્યો છે. રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.5 ટકા કરતાં નીચે ઉતરી ગયું છે, જે માનવ આરોગ્ય માટે પણ જોખમી છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાની ધરતી પરથી દેશની શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ હતી અને આજે એ જ ધરતી પરથી ગોબર આધારિત નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે. આ બાયો-સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ બનાસકાંઠા માટે ગૌરવની બાબત છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત પાસેથી ગોબર રૂ. 1 પ્રતિ કિલોના દરે ખરીદવામાં આવશે અને ગોબર એકત્ર કરવા તથા પરિવહનનો તમામ ખર્ચ બનાસ ડેરી દ્વારા ઉઠાવવામાં આવશે, જેના કારણે ખેડૂતોને દૂધ ઉપરાંત ગોબરથી પણ વધારાની આવક મળશે.
આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ બાયો-સીએનજી પ્લાન્ટ થકી ગ્રામ્ય અર્થતંત્રને નવી ગતિ મળશે, ખેડૂતોની આવકમાં વધારો થશે અને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રે નવી તકોનું સર્જન થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બનાસકાંઠાથી શરૂ થયેલ આ વિકાસ મોડેલ સમગ્ર ગુજરાતમાં વિસ્તૃત કરવાનો સરકારનો દૃઢ સંકલ્પ હોવાનું તેમણે જણાવ્યું હતું.

