Site icon Revoi.in

આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં ચાચરચોકમાં ભાવિકો ગરબે ઘૂમ્યાં

Social Share

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવરાત્રીના આજે પ્રથમ દિવસે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ત્યારબાદ ચાચર ચોકમાં ભાવિકો ગરબે ઘૂંમ્યા હતા. તેમજ યજ્ઞ શાળામાં ભાવિકોએ માતાજીની આરાધના કરી હતી.

દેશના 51 શક્તિપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાતા અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. મંગળા આરતી બાદ ભક્તોએ ચાચર ચોકમાં ગરબા રમી માતાજીના ગુણગાન કર્યા હતા. વર્ષમાં આવતી ચાર નવરાત્રિમાં આસો નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ સમયે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના માટે આવે છે. મંદિરની હવન શાળામાં નવરાત્રિ દરમિયાન હવનનું વિશેષ મહત્વ છે. ભક્તો ચાચર ચોકમાં આવેલી હવન શાળામાં માતાજીનો હવન કરી આરાધના કરી રહ્યા છે.

વિશ્વનો સૌથી લાંબો આધ્યાત્મિક ઉત્સવ એટલે માં આદ્યશક્તિના આરાધનાનું પર્વ આસો નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે, જે 1 ઓક્ટોબર સુધી ચાલશે. આ વર્ષે બે ત્રીજ હોવાથી આ ઉત્સવ 10 દિવસનો થશે. નવરાત્રીનો  આ તહેવાર માત્ર એક ધાર્મિક આયોજન નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનું પ્રતીક પણ છે. નવરાત્રી સમાજના બધા વર્ગોને એકસાથે લાવે છે અને ઉત્સાહ તથા ઉલ્લાસનું વાતાવરણ ઊભું કરે છે. નવ દિવસ માતાજીના મોટા મંદિરોમાં વિશેષ આયોજન થાય છે અને લાખો લોકો દર્શન કરવા જાય છે.