Site icon Revoi.in

ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે નવી મેરીટ યાદી, ચોઈસ ફિલિંગ 13મી જુલાઈ સુધી ચાલશે

Social Share

અમદાવાદ, 10 જુલાઈ 2026 : New merit list for degree engineering admission ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે બોર્ડની ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામોને ધ્યાનમાં રાખીને ACPC ( પ્રવેશ સમિતિ)એ નવી મેરિટ યાદી જાહેર કરી છે. તેમજ બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ પણ શરૂ કરવામાં આવી છે. નવા અને અગાઉ મળીને કુલ 48,968 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 47,360 વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ રી-શફલિંગમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે નવી બેઠક ફાળવાશે તો પહેલાનો કન્ફર્મ એડમિશન આપોઆપ રદ થઈ જશે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC)ના સૂત્રોના કહેવા મુજબ  ગુજરાત શિક્ષણ બોર્ડની ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામોને ધ્યાનમાં રાખીને નવી મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા 3 જુલાઈએ પૂર્ણ થયા બાદ ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા પાસ કરનારા અને JOSAA દ્વારા IIT તથા NITમાં પ્રવેશ મળતા ખાલી પડેલી બેઠકોને ધ્યાનમાં રાખીને બીજા અને ત્રીજા રાઉન્ડની કાર્યવાહી નક્કી કરવામાં આવી છે. બીજા રાઉન્ડ પહેલાં નવા વિદ્યાર્થીઓ માટે 5 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન ખુલ્લું રાખવામાં આવ્યું હતું, જેમાં આશરે 1,711 વિદ્યાર્થીઓએ નવા રજિસ્ટ્રેશન કરાવ્યા હતા. આ તમામ પરિણામોને આધારે હવે સુધારેલુ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે અને બીજા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ વર્ષે પ્રથમ તબક્કામાં એન્જિનિયરિંગ પ્રવેશ માટે કુલ 47,256 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 45,480 વિદ્યાર્થીઓને મેરિટ આપવામાં આવી હતી. ત્યારબાદ નવા રજિસ્ટ્રેશન અને ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષાના પરિણામો બાદ કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 48,968 થઈ છે. નવા 1,880 વિદ્યાર્થીઓને મેરિટમાં સામેલ કરવામાં આવતા હવે કુલ 47,360 વિદ્યાર્થીઓને મેરિટ આપવામાં આવી છે. નવા ઉમેરાયેલા વિદ્યાર્થીઓમાં GUJCET આધારિત 788, JEE આધારિત 229 અને GUJCET તથા JEE બંનેના 858 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ 2,496 વિદ્યાર્થીઓના મેરિટ માર્ક્સમાં સુધારો નોંધાયો છે, જ્યારે 528 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા પાસ કરીને મેરિટમાં સામેલ થયા છે. વિદ્યાર્થીઓ પોતાના લોગ-ઇન દ્વારા અથવા ACPCની વેબસાઇટ પર એપ્લિકેશન નંબર દાખલ કરીને નવી મેરિટ ચકાસી શકે છે. બીજા રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ 13 જુલાઈ સુધી ચાલુ રહેશે. જ્યારે બીજા રાઉન્ડનું પરિણામ 15 જુલાઈએ જાહેર થશે. ત્યારબાદ 20 જુલાઈથી ત્રીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ થશે.

Exit mobile version