
નવી દિલ્હીઃ નાણા મંત્રાલયે ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં ખર્ચ કરવા પર TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ)ના ઊંચા દરને લાગુ કરવાના નિર્ણયને મુલતવી રાખ્યો છે. સરકારે 1 જુલાઈથી TCS 5 ટકાથી વધારીને 20 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ નિર્ણય 1 ઓક્ટોબર 2023થી લાગુ કરવામાં આવશે.
સરકારના તાજેતરના નિર્ણય અનુસાર, 7 લાખ રૂપિયા સુધીના આંતરરાષ્ટ્રીય ટૂર પેકેજ પર માત્ર 5% TCS કાપવામાં આવશે. હાલમાં, ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં ખર્ચ કરવો લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ આવરી લેવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં, તેના પર કોઈ ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TCS) થશે નહીં. નાણા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકારે પ્રવાસ પેકેજ સહિત વિદેશમાં નાણાં મોકલવા માટે ઊંચા દરે TCS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) કાપવાના નિર્ણયને ત્રણ મહિના સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે, 30 સપ્ટેમ્બર સુધી, TCS ફી વસૂલવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે નહીં.
નાણા મંત્રાલયે કહ્યું હતું કે, વિવિધ પક્ષો અને માધ્યમો તરફથી મળેલા મંતવ્યો અને સૂચનો બાદ નિર્ણયમાં કેટલાક ફેરફાર કરવા પર સહમતિ બની છે. સૌપ્રથમ, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, એલઆરએસ હેઠળના તમામ હેતુઓ માટે અને વિદેશ પ્રવાસના પ્રવાસ પેકેજો માટે પ્રતિ વ્યક્તિ વાર્ષિક રૂ. 7 લાખ સુધીની રકમ માટે TCSના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
મંત્રાલયે જણાવ્યું હતું કે, સુધારેલા TCS દરોના અમલીકરણ અને LRSમાં ક્રેડિટ કાર્ડની ચૂકવણીનો સમાવેશ કરવા માટે વધુ સમય આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ પ્રવાસ પેકેજ ખરીદવા માટે પ્રતિ વ્યક્તિ 7 લાખ રૂપિયાના ખર્ચ પર પાંચ ટકાના દરે TCS વસૂલવામાં આવશે. જો ખર્ચ આ મર્યાદા કરતાં વધી જાય તો જ 20 ટકાનો દર લાગુ થશે.
- બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી
2023નું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વિદેશી રેમિટન્સ પર TCSનો દર વધારવાની જાહેરાત કરી હતી. હાલમાં, લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશી રેમિટન્સ પર પાંચ ટકા TCS કાપવામાં આવે છે. તેને વધારીને 20 ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે, કેટલાક કિસ્સાઓમાં મુક્તિ છે. 1 જુલાઈ, 2023થી વધેલા ટેક્સ રેટ લાગુ થવાના હતા. હવે તેને 30 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ અંગેની આગામી જાહેરાત 1 ઓક્ટોબરે થઈ શકે છે.