Homeગુજરાતીદેશ-વિદેશકોઈ સર્વોચ્ચ અદાલતને ડરાવી શકશે નહીં, સુપ્રીમ કોર્ટની વિપક્ષને આકરી ટકોર

કોઈ સર્વોચ્ચ અદાલતને ડરાવી શકશે નહીં, સુપ્રીમ કોર્ટની વિપક્ષને આકરી ટકોર

નવી દિલ્હી, 15 ઓક્ટોબર 2026: મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ સામે વિપક્ષની કાનૂની લડાઈ હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગઈ છે. ઈન્ડી ગઠબંધનના 13 મુખ્ય નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી સંયુક્ત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કાઢવા બદલ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે વિપક્ષી નેતાઓ પર અત્યંત સખત ટિપ્પણી કરી હતી. મૂખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કડક શબ્દોમાં ટાંક્યું હતું કે, “કોઈપણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટને ડરાવી કે ધમકાવી શકે નહીં. આ પ્રકારના નકામા પ્રયાસો પર અદાલત કોઈ ધ્યાન આપતી નથી.” તેમણે ઉમેર્યું હતું કે, કોર્ટ સંપૂર્ણપણે જાગૃત છે અને બહાર શું ચાલી રહ્યું છે તેમજ અદાલતની અંદર શું બોલાઈ રહ્યું છે તેની તમામ માહિતી છે. અમે કોઈ કાલ્પનિક દુનિયામાં જીવતા નથી.

સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓની અરજી પર નોટિસ ઈશ્યૂ કરવા સાથે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અરજી પર કોઈ આખરી નિર્ણય લેતા પહેલા અરજદારોમાંથી એક નેતાએ પોતાના આચરણ અંગે અદાલત સમક્ષ સ્પષ્ટતા આપવી પડશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી પોતાના સમર્થકોના મોટા કાફલા સાથે સુપ્રીમ કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા, જેને લઈને અદાલતે આ બાબતને ગંભીરતાથી લીધી છે.

  • ઇન્ટરનેટ બેન અને અટકાયત મુદ્દે કેન્દ્રની બિનશરતી માફી

દિલ્હીમાં 10 ઓક્ટોબરે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન લાદવામાં આવેલા કડક નિયંત્રણો, મેટ્રો સ્ટેશનો બંધ કરવા, વિરોધ પ્રદર્શનકારીઓની અટકાયત અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવા મુદ્દે દાખલ અદાલતી અવમાનના અરજીઓ પર પણ બેન્ચે સુનાવણી કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું હતું કે, સરકાર અને દિલ્હી પોલીસ તરફથી વિગતવાર જવાબ દાખલ કરવામાં આવ્યો છે અને બિનશરતી માફી પણ માંગવામાં આવી છે. જોકે, જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે ટિપ્પણી કરી હતી કે, દલીલો પરથી આ માફી શરતી લાગી રહી છે, તેથી અદાલત હાલ આ માફીને સ્વીકારવા પર ધ્યાન આપી રહી નથી.

  • SIR અને મતદાર યાદીમાં ગડબડના આક્ષેપો

ઈન્ડી ગઠબંધનની સંયુક્ત અરજીમાં મતદાર યાદીના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’માં મોટાપાયે અનિયમિતતાઓ આચરવામાં આવી હોવાનો અને લાખો મતદારોના નામ ગેરકાયદેસર રીતે રદ્દ કરાયા હોવાનો આક્ષેપ કરાયો છે. વિપક્ષી દળોએ ચૂંટણી પંચના તમામ રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કરવા અને સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે દિલ્હીના જંતર-મંતર વિસ્તારને વિરોધ પ્રદર્શન માટે ‘ડી-નોટિફાય’ કરવા અંગેની એક અરજી સંદર્ભે પણ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular