1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ સામે રિકવરી મામલે કોઈ કાર્યવાહી નહીં કરાયઃ આવકવેરા વિભાગ
લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ સામે રિકવરી મામલે કોઈ કાર્યવાહી નહીં કરાયઃ આવકવેરા વિભાગ

લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ સામે રિકવરી મામલે કોઈ કાર્યવાહી નહીં કરાયઃ આવકવેરા વિભાગ

0
Social Share

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવશે નહીં. આવકવેરા વિભાગ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 1700 કરોડ રૂપિયાની વસૂલાતના મામલે કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આવકવેરા વિભાગે આ કેસની સુનાવણી જૂન સુધી મુલતવી રાખવાની માંગ કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, ‘અમે ચૂંટણી દરમિયાન કોઈ રાજકીય પક્ષ માટે મુશ્કેલી ઊભી કરવા માંગતા નથી.’

કોંગ્રેસ પાર્ટીએ આવકવેરા વિભાગની નોટિસ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન આવકવેરા વિભાગ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેંચ સમક્ષ જણાવ્યું હતું કે, કોંગ્રેસ એક રાજકીય પક્ષ છે અને ચૂંટણી ચાલી રહી હોવાથી અમે કોંગ્રેસ પક્ષ સામે કોઈ કાર્યવાહી કરીશું નહીં. કોંગ્રેસ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા અને આવકવેરા વિભાગના આ પગલાને આવકાર્યું હતું.

આવકવેરા વિભાગે રવિવારે કોંગ્રેસ પાર્ટીને નવી નોટિસ મોકલીને રૂ. 1745 કરોડના ટેક્સની ચુકવણીની માંગણી કરી હતી. આની સાથે આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને કુલ 3567 કરોડ રૂપિયાની રિકવરી નોટિસ મોકલી છે. નવીનતમ નોટિસ 2014-15 (આશરે રૂ. 663 કરોડ) અને 2015-16 (આશરે રૂ. 664 કરોડ), 2016-17 (આશરે રૂ. 417 કરોડ) સંબંધિત છે. કોંગ્રેસનો આરોપ છે કે, સત્તાધીશોએ રાજકીય પક્ષોને આપવામાં આવતી કરમુક્તિને સમાપ્ત કરી દીધી છે અને ટેક્સ લાદ્યો છે. કોંગ્રેસના નેતાઓ પાસેથી જપ્ત કરાયેલી ડાયરીઓમાં ત્રીજા પક્ષકારો દ્વારા કરાયેલી એન્ટ્રી પર પણ કોંગ્રેસે ટેક્સ લગાવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ટેક્સ સત્તાવાળાઓએ અગાઉના વર્ષોની ટેક્સ માંગણીઓ માટે પાર્ટીના ખાતામાંથી 135 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આ અંગે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code