નવી દિલ્હી, 14 મે 2026: Norovirus ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર બોર્ડોમાં ઉભેલા ક્રૂઝ શિપ ‘એમ્બિશન’ પર મુસાફરો નોરોવાયરસ (વાયરલ ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ)ની ઝપેટમાં આવ્યા છે. ગિરોન્દ પ્રીફેક્ચરે બુધવારે સ્થાનિક સમય અનુસાર જારી કરેલા નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ, હાલમાં વાયરસના કોઈ ગંભીર કેસની સૂચના નથી. જે લોકોમાં સંક્રમણના લક્ષણો નથી, તેમને જહાજ પરથી ઉતરવાની મંજૂરી આપવામાં આવી છે.
1,700 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અટવાયા
બ્રિટિશ કંપની ‘એમ્બેસેડર ક્રૂઝ લાઇન’ દ્વારા સંચાલિત ‘એમ્બિશન’ મંગળવારે સાંજે બોર્ડો પહોંચ્યું હતું. જહાજ પર લગભગ 90 વર્ષીય એક મુસાફરના મોત બાદ અંદાજે 1,700 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને જહાજ પરથી ઉતરતા અટકાવવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સી સિંહુઆના જણાવ્યા અનુસાર, 90 વર્ષીય મુસાફરના મોતનો સંબંધ ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ જેવા સંક્રમણ સાથે હોઈ શકે છે. જહાજ પર આશરે 80 લોકો પેટ સંબંધિત બીમારીની ઝપેટમાં છે.
તબીબી તપાસ અને ક્વોરન્ટાઇન
ત્યારબાદ બોર્ડો યુનિવર્સિટી હોસ્પિટલમાં કરવામાં આવેલા રોગચાળા અને જૈવિક પરીક્ષણોમાં આ સંક્રમણ ફેલાયું હોવાની પુષ્ટિ થઈ હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમિત લોકોને જહાજ પર અલગ (આઈસોલેશનમાં) રાખવામાં આવશે. ક્વોરન્ટાઇન અને સ્વચ્છતા સંબંધિત પગલાં ચાલુ રહેશે. આગળની મુસાફરી ચાલુ રાખવી કે નહીં, તે અંગેનો અંતિમ નિર્ણય મેડિકલ રિપોર્ટ મળ્યા બાદ ક્રૂઝ ઓપરેટર કરશે.
અત્યંત ચેપી નોરોવાયરસ તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરાઈટીસનું એક સામાન્ય કારણ છે અને ક્રૂઝ શિપ જેવી બંધ જગ્યાઓમાં ઝડપથી ફેલાવા માટે જાણીતું છે.
હંટાવાયરસ અંગે વધતી ચિંતા
આ દરમિયાન હંટાવાયરસને લઈને પણ ચિંતા યથાવત છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે મંગળવારે કહ્યું હતું કે સંક્રમિત ક્રૂઝ શિપ ‘એમવી હોન્ડિયસ’માંથી મુસાફરોને બહાર કાઢ્યા બાદ આગામી અઠવાડિયામાં હંટાવાયરસના વધુ કેસો સામે આવી શકે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્યનું જોખમ હાલમાં ઓછું છે.
ટેડ્રોસે મેડ્રિડ સ્થિત મોન્ક્લોઆ પેલેસમાં સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “વાયરસના સમયગાળાને જોતા આગામી અઠવાડિયામાં વધુ કેસ સામે આવવા શક્ય છે.” અત્યાર સુધી હંટાવાયરસ સાથે જોડાયેલા 11 કેસ સામે આવ્યા છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. આ 11 કેસોમાંથી નવ કેસમાં એન્ડીઝ વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે, જ્યારે બાકીના બે સંભવિત કેસ માનવામાં આવી રહ્યા છે.


