
ગુજરાતમાં નવા વેરિયન્ટ JN.1 નો એક પણ કેસ નોંધાયો નથીઃ ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ કોરોનાના નવા વેરિયન્ટ JN.1 નો એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાના નવા વેરિયન્ટની ઘાતકતા ઓછી છે, પરંતુ લોકોએ સતર્કતા રાખવી જરૂરી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે હાલ રાજયમાં કોરોનાના 13 સક્રિય કેસ છે જો કે એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. તેમણે કહ્યું કે, રાજ્યમાં કોરોના પોઝીટીવ તમામ કેસોનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે. 13 થી 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યની 5700 થી વધુ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઇ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. જેના પગલે રાજ્યનું આરોગ્ય વિભાગ સાબદુ બન્યું છે. તેમજ કોરોના વાયરસને વધારે ફેલતો અટકાવવા માટે જરુરી પગલા લેવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત વિવિધ શહેરો અને નગરોમાં હોસ્પિટલોમાં જરુરી સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગની પ્રક્રિયાને પણ ઝડપી બનાવવામાં આવી છે. આ ઉપરાંત પ્રજાને કોવિડ-19થી ડરવાને બદલે સતર્ક રહેવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ભીડભાડવાળી જગ્યાઓ ઉપર જવાનું ટાળવા અને માસ્ક પહેરવા માટે તબીબોએ અપીલ કરી છે.
દેશમાં 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 358 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. ગુજરાતમાં પણ 11 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. કેરળમાં સૌથી વધારે 300 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં છે. દેશમાં કોવિડ મહામારીને પગલે 24 કલાકમાં છ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે.