ગાંધીનગર, 26 મે,2026 : Not family doctors, but family farmers will be the need of the future રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી, અહીં તેમણે જાતે ગાય દોહી અને ખેતરમાં શાકભાજી વિણ્યું હતું. ફાર્મની મુલાકાત વેળાએ રાજ્યપાલએ ખેતરમાં વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું હતું તથા ઉપસ્થિત ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.
રાજ્યપાલએ ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી ઈશ્વરીય કાર્ય છે. આપણી પ્રજા ખૂબ આધ્યાત્મિક છે, મંદિરમાં જે શ્રદ્ધાભાવથી જઈએ છીએ તે જ ભાવથી પ્રાકૃતિક ખેતી કરીને કેટલાય પરિવારોને બચાવી શકાશે. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો લોકોને તંદુરસ્ત જીવન આપવાનું કામ કરી રહ્યા છે. આપણા દેશમાં કેન્સર અને અન્ય બીજી અનેક બીમારીઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ફેમિલી ડોક્ટર નહીં પણ ફેમિલી ફાર્મર ભવિષ્યની જરૂરિયાત છે. લોકો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનને તેમના ઘર સુધી શોધવા આવશે.
રાજ્યપાલએ આ પ્રસંગે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ઓછામાં ઓછું ખેતરના એક ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ ઉપસ્થિત ખેડૂતોને જીવામૃત સહિતના બાયો ઈનપુટ્સ બનાવવાની વિધિ તથા તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું.
તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે આપણે કરોડો રૂપિયા રાસાયણિક ખાતરરૂપી ઝેર ખરીદવામાં વિદેશોમાં આપીએ છીએ. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણા દેશનો પૈસા બહાર જતા અટકશે. તેમણે ઉમેર્યું કે, આજના સમયમાં જ્યારે જતુંનાશક દવા અને રાસાયણિક ખાતરથી ધરતીની હાલત બગડી છે, ઉત્પાદન ઘટ્યું છે અને તેને આરોગવાથી રોગ વધ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી ન માત્ર ધરતી પરંતુ મનુષ્યોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ગંભીર બીમારી લાવતી રાસાયણિક ખેતીને ત્યજીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો. આ સાથે જ ભરૂચમાં પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગવંતુ બનાવવા માટે કરવામાં આવતા પ્રયાસોને બિરદાવ્યા હતા.
આ તકે, પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ ડ્રીપમાં અવરોધ વિના જીવામૃત નાખવાની પદ્ધતિ રાજ્યપાલશ્રીને બતાવી હતી. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના પ્રતિભાવ અને અનુભવ જણાવ્યા હતા. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત મહેશભાઈએ નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર બનાવવાની રીત અને તેના ફાયદા વિશે ડેમોસ્ટ્રેશન બતાવ્યું હતું.

