Site icon Revoi.in

હવે કાર્યકર્તા તરીકે જગદીશ પંચાલના નેતૃત્વમાં કામ કરીશ: સી.આર.પાટીલ

Social Share

ગાંધીનગરઃ કમલમ ખાતે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલના પદગ્રહણ સમારોહ દરમિયાન નિવર્તમાન પ્રમુખ સી.આર. પાટીલે ભાવુક અને પ્રેરક સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, *“સવા પાંચ વર્ષ પહેલાં મને મળેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. હવે હું એક કાર્યકર્તા તરીકે જગદીશ પંચાલના નેતૃત્વ હેઠળ કામ કરીશ.”

પાટીલે પોતાના વક્તવ્ય દરમિયાન ભારપૂર્વક કહ્યું કે, “અશ્વમેઘના યજ્ઞને રોકવાની કોઈની તાકાત નથી. ગુજરાતનું વિકાસ મોડલ જ જીતનું મોડલ છે.” તેમણે વધુમાં જણાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન લીધેલા દરેક નિર્ણયો પાર્ટીના હિતમાં હતા, અને જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે બદલ ક્ષમા માગું છું.

સી.આર. પાટીલે પોતાના કાર્યકાળની સિદ્ધિઓની યાદ અપાવતા જણાવ્યું કે ભાજપના કાર્યકર્તાઓને હવે જીતવાની ટેવ પડી ગઈ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, જેમાંથી 156 બેઠકો જીતીને ભાજપે ઇતિહાસ રચ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે 26માંથી 25 બેઠકો જીતી હતી અને ઉમેદવારોને 1 કરોડથી વધુ મતોની લીડ મળી હતી. પેજ કમિટી તથા સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ સિસ્ટમના સફળ અમલનો પણ તેમણે ઉલ્લેખ કર્યો.

પાટીલે સ્વીકાર્યું કે જો 10 લાખ મતો વધુ મળ્યા હોત તો 182 બેઠકો જીતવાનો સંકલ્પ પૂર્ણ થયો હોત. તેમણે એક બેઠક પર થયેલી હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી અને કાર્યકર્તાઓને વિનંતી કરી કે આવું ફરી ન બને તેનું ધ્યાન રાખવું પડશે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં યુવા અને નવા ઉમેદવારોને તક આપવાથી સંગઠન વધુ મજબૂત બન્યું છે.

સંબોધના અંતે પાટીલે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલના નેતૃત્વમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં તમામ 182 બેઠકો જીતવાનો મહાસંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતના મતદારો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો અને નવા નેતૃત્વને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.