નવી દિલ્હીઃ ભારત અને સમગ્ર દુનિયા માટે ૩૦ જુલાઈનો દિવસ એક ઐતિહાસિક દિવસ બની ગયો છે. આજે નાસા અને ઈસરોના સંયુક્ત પ્રોજેક્ટ NISAR (NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર) ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સાંજે 5.40 વાગ્યે થયું હતું, જેને ભારતના અવકાશ વિજ્ઞાનમાં એક મોટી છલાંગ તરીકે જોવામાં આવી રહી છે.
NISAR ને પૃથ્વી પર દેખરેખ રાખવા માટે એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. તે ભૂકંપ, સુનામી, જ્વાળામુખી અને ભૂસ્ખલન જેવી વિનાશક કુદરતી આફતોની સમયસર ચેતવણી આપવા માટે રચાયેલ છે. આ ઉપગ્રહને “પૃથ્વીનું MRI સ્કેનર” પણ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે તે પૃથ્વીની સપાટીના એટલા સૂક્ષ્મ ચિત્રો લઈ શકે છે કે તે ફક્ત એક સેન્ટિમીટરના સ્તરે પણ ફેરફારોને કેદ કરી શકે છે.

