ઓડિશાઃ રથયાત્રા પહેલા પુરીનું જગન્નાથ મંદિર ‘રેડ ઝોન’ જાહેર,ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ, જાણો શું છે મામલો
- જગન્નાથ મંદિરને ‘રેડ ઝોન’ જાહેર
- ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ
- જાણો શું છે મામલો
ઓડિશાઃભગવાન જગન્નાથની 20 જૂને થનારી વાર્ષિક રથયાત્રા પહેલા પુરી પોલીસે 12મી સદીના પ્રખ્યાત મંદિરની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ પ્રતિબંધ 1 જુલાઈ સુધી અમલમાં રહેશે અને જેઓ તેનું પાલન નહીં કરે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પુરીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે બિનઅનુભવી લોકો દ્વારા ડ્રોનનો અનિયંત્રિત ઉપયોગ ભક્તો માટે જોખમ ઊભું કરી શકે છે. અમે અગાઉ પણ નિયમો તોડનારા કેટલાક લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તેમણે કહ્યું કે શ્રી મંદિર, શ્રી ગુંડીચા મંદિર, દેવી-દેવતાઓના રથ અને ભક્તોની સુરક્ષા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ડ્રોન નિયમો, 2021 ની જોગવાઈઓ અનુસાર શ્રી જગન્નાથ મંદિરને ‘રેડ ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે અને તેથી કોઈને પણ મંદિર પરિસરમાં ઉપકરણો ઉડવાની મંજૂરી નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જારી કરાયેલ માન્ય UIN (યુનિક આઇડેન્ટિફિકેશન નંબર) વિના કોઈપણ ઓપરેટર ડ્રોન ઉડાડશે નહીં.
આદેશ અનુસાર, ડ્રોન ઓપરેટર્સ કોઈપણ સંપત્તિને નુકસાન અથવા કોઈને ઈજા જેવી કોઈપણ ઘટના માટે જવાબદાર રહેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ડ્રોન નિયમોનું કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન સજાપાત્ર છે. અગાઉ પણ પુરી પોલીસે ડ્રોન ઉડાડવાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ એક યુટ્યુબરની ધરપકડ કરી હતી.