
ભારત ઉપર ઓમિક્રોનનું સંકટઃ 80 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી
દિલ્હીઃ ભારતમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 161થી વધારે કેસ નોંધાયાં છે. જે પૈકી 13 ટકા કેસમાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા, જ્યારે 80 ટકામાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. લગભગ 44 ટકા દર્દીઓ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું કે, ઓમિક્રોનના દેશમાં અત્યાર સુધીમાં 161 કેસ નોંધાયા છે અને હાલમાં વિદેશથી આવતા પ્રવાસીઓ અને દેશમાં વધી રહેલા કેસ પર સતત નજર રાખવામાં આવી રહી છે. દેશ કોરોનાના નવા સ્વરૂપો સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દેશમાં અત્યાર સુધીમાં 137 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. માંડવિયાએ કહ્યું કે અત્યાર સુધી તેમની પાસે દેશભરમાં 48,000 વેન્ટિલેટર વિશે સંપૂર્ણ માહિતી છે કે તેઓ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. ઓક્સિજનનો બફર સ્ટોક પણ બનાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત 89 જેટલા કેસમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને દસ્તક આપી છે. એટલું જ નહીં બ્રિટેન અને અમેરિકામાં બે દર્દીઓના ઓમિક્રોનમાં મૃત્યુ પણ થયા છે. દરમિયાન તજજ્ઞોએ ભારતીયોને કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે અપીલ કરી છે. જો યોગ્ય પાલન નહીં કરવામાં આવે તો જાન્યુઆરીમાં ઓમિક્રોનનું જોખવાની શકયતાઓ પણ વ્યક્ત કરી છે.