રાજકોટ, 11 મે 2026: One killed as car hits truck શહેર નજીક બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે આવેલા એચપી પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે વાહનની આગળ પશુ આડુ આવતા બ્રેક મારતા પાછળ આવી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડ પર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા કારમાં સવાર દેવભૂમિ દ્વારકાના ખેડૂતનું કરુણ મોત નિપજ્યું હતું. જામકલ્યાણપુર તાલુકાના માદેવિયા ગામના નારણભાઈ કરંગીયા (ઉ.વ.58) તેમના વેવાઈ પક્ષના સગા રામશીભાઈ સાથે કારમાં આણંદ ફરવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ નજીક બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે આવેલા એચપી પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે 5.30 વાગ્યાની આસપાસ કારની આગળ અચાનક એક પશુ આડું ઉતરતા આગળ જઈ રહેલા વાહને બ્રેક મારી હતી. તે વાહન સાથેની ટક્કર બચાવવા ચાલક રામશીભાઈએ કાર રોડની સાઈડમાં લીધી હતી, પરંતુ કમનસીબે કાર ત્યાં ઉભેલા એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કારની ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા નારણભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત નારણભાઈને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.
આ બનાવમાં કુવાડવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ખેતીકામ કરતા હતા અને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. બે દિવસ પહેલા જ મહેમાન બનીને આવેલા રામશીભાઈ સાથે ફરવા નીકળેલા પ્રૌઢનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

