Site icon Revoi.in

રાજકોટના આજી ડેમમાં 41 ટકા અને ન્યારી ડેમમાં 29 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

Social Share

રાજકોટ, 17 જુન, 2026 Water level drops in Aaji Dam-1 and Nyari Dam-1, શહેરના આજી-1 અને ન્યારી-1 ડેમને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી સમયાંતરે ભરવામાં આવતા હોય છે. આજી અને ન્યારી ડેમ એ રાજકોટ શહેરની જીવાદોરી સમાન છે. કારણ કે શહેરને બન્ને ડેમમાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે. મેધરાજાની પધરામણી થઈ નથી ત્યારે આજી ડેમ-1 અને ન્યારી ડેમ-1માં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. આજી ડેમ-1માં 41 ટકા અને ન્યારી-1 ડેમમાં માત્ર 29 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જો વરસાદ ખેંચાશે તો શહેરીજનોને પાણીની સમસ્યા ઊભી થવાની શક્યતા છે. ત્યારે આરએમસીએ બન્ને ડેમ નર્મદાના પાણીથી ભરવાની રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી છે.

 ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ ખેંચાયુ છે. ત્યારે રાજકોટ શહેરમાં પીવાના પાણીની ચિંતાના વાદળો ઘેરાયા છે, કારણ કે મોટાભાગે સૌની યોજનાથી ભરાતા આજી-1 અને ન્યારી-1માં જળ સંગ્રહમાં ઘટાડો થયો છે. શહેર માટે બંન્ને ડેમમાંથી રોજ  6થી 8 MCFT પાણી ઉપાડાય છે. આજની સ્થિતિએ આજી-1 ડેમમાં માત્ર 41 ટકા અને ન્યારી-1 ડેમમાં પણ 29 ટકા જ જળસંગ્રહ બચ્યો છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજી-1 અને ન્યારી-1 માટે વધુ 800 એમસીએફટી નર્મદા નીર સૌની યોજના અંતર્ગત આપવાની માગ કરી છે.  સિંચાઈ વિભાગે મ્યુનિની ડિમાન્ડના પગલે ગત 10 જુનના રોજ જ નર્મદા વિભાગ પાસે પાણી છોડવા દરખાસ્ત કરી દીધી છે. જોકે આજ દિવસ સુધી નર્મદા વિભાગે મંજૂરી આપી નથી. હાલ બન્ને ડેમોમાં માસાંત સુધી જ ચાલે તેટલો જળ જથ્થો બચ્યો હોવાથી તાત્કાલિક પાણી છોડવું જરૂરી બન્યું છે. જો તાત્કાલિક પાણી છોડી દેવાય તો જુલાઈ સુધી પીવાના પાણીની જરૂરીયાત સંતોષાઈ જશે. બાકી જળસંકટ વધારે ઘેરું બનવાની શક્યતા છે.

Exit mobile version