ઓપરેશન સિંદૂર: ભારતીય વુયુસાનેએ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો, એવિએશન નિષ્ણાતનો દાવો
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ગત વર્ષે ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રખ્યાત એવિએશન નિષ્ણાત ટોમ કૂપરે દાવો કર્યો છે કે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ‘કિરાના હિલ્સ’ વિસ્તારમાં સ્થિત એક મહત્વપૂર્ણ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પાકિસ્તાન એટલું ગભરાઈ ગયું હતું કે તેણે તાત્કાલિક યુદ્ધવિરામ માટેની કોશિશ શરૂ કરી દીધી હતી.
ટોમ કૂપરના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની આ અત્યંત સુરક્ષિત સાઇટને નિશાન બનાવી હતી. કિરાના હિલ્સ એ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાં 20 થી 24 જેટલા પરમાણુ પરીક્ષણો થઈ ચૂક્યા છે. અહીં મજબૂત બંકરો અને ભૂગર્ભ ટનલ આવેલી છે. કૂપરનો દાવો છે કે આ હુમલો એ ભારતનો સીધો સંદેશ હતો કે તે ગમે ત્યારે અને ગમે ત્યાં પ્રહાર કરી શકે છે.
નિષ્ણાત કૂપરે પોતાના દાવા પાછળ કેટલાક પુરાવા રજૂ કર્યા છે. પાકિસ્તાની સ્થાનિકો દ્વારા બનાવાયેલા વીડિયોમાં મિસાઈલના નિશાન (કોન્ટ્રેલ) પહાડીઓ તરફ જતા જોવા મળ્યા હતા. ભારતે પહેલા પાકિસ્તાનની રડાર સિસ્ટમને નિષ્ક્રિય કરી અને ત્યારબાદ ભૂગર્ભ સ્ટોરેજના પ્રવેશદ્વારો પર હાઈ-પ્રિસિઝન હુમલો કર્યો. કૂપરના પાકિસ્તાન સ્થિત અંગત સંપર્કોએ પણ આ સાઇટ પર થયેલા ભારે નુકસાનની પુષ્ટિ કરી છે.
આ ઓપરેશનમાં ભારતે પોતાની ઘાતક શક્તિનું પ્રદર્શન કર્યું હોવાનો દાવો છે. બ્રહ્મોસ મિસાઈલ સાથે સુખોઈ 30નો ,સ્કેલ્પ (SCALP) મિસાઈલ સાથે રાફેલનો તેમજ જેગુઆરમાં રેમ્પજ મિસાઈલનો ઉપયો કરાયો હતો. તેમજ ભારતની એકીકૃત એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ વળતા પ્રહારને પણ નિષ્ફળ બનાવ્યો હતો. કૂપરના મતે, આ હુમલો ‘નિર્ણાયક મોડ’ સાબિત થયો હતો. પાકિસ્તાનનું વળતું ઓપરેશન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું અને તેના અનેક લડાકુ વિમાનો તોડી પાડવામાં આવ્યા. આર્થિક અને લશ્કરી રીતે નબળા પડેલા પાકિસ્તાને અમેરિકા અને ભારતનો સંપર્ક કરી સંઘર્ષ રોકવા વિનંતી કરી હતી.
જોકે, આશ્ચર્યની વાત એ છે કે ભારત સરકારે સત્તાવાર રીતે આવા કોઈ પણ હુમલાનો ઇનકાર કર્યો છે. આ અંગે કૂપરે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, “પુરાવા એટલા સ્પષ્ટ છે કે આ હુમલાનો ઇનકાર કરવો એ સૂરજ ઉગવાની વાતને નકારવા સમાન છે.”
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં મળશે રાજ્યનો દરજ્જો: કેન્દ્રીય મંત્રી મેઘવાલ


