પાકિસ્તાન પણ ચાલી શકે છે ભારતના પગલે,કરી શકે છે 5000 રૂપિયાની નોટને બંધ: રિપોર્ટ
દિલ્હી :પાકિસ્તાન કે જેની આર્થિક હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે, ત્યારે એવી જાણકારી સામે આવી રહી છે કે પાકિસ્તાન પણ પોતાની આર્થિક સ્થિતિને થોડા અંશે સુધારવા માટે પોતાના ચલણમાંથી 5000 રુપિયાની નોટને બંધ કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓ દ્વારા આ બાબતે પાકિસ્તાનની સરકારને સલાહ આપવામાં આવી છે. જો આ બાબતે વધારે વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં હજી પણ સ્થિતિ સુધરવાનું નામ નથી લેતી. આર્થિક સંકટ અને રાજકીય લડાઈની સાથે સાથે મોંઘવારીના આક્રમણે દેશની જનતાને દયનીય બનાવી દીધી છે. સરકાર ઘૂંટણિયે પડી છે અને એની મદદ માટે કોઈ આગળ નથી આવતું.
જો વાત કરવામાં આવે ભારતની તો ભારતમાં નોટબંધીની ફોર્મ્યુલા મોદી સરકારે 2016માં લાગુ કરી હતી. એ જ સમયે ગયા મહિને આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરી દીધી છે, જે દેશમાં સૌથી મોટી કરન્સી છે. નોટબંધીને કારણે અર્થવ્યવસ્થામાં સુધારો થશે, પાકિસ્તાનમાં લોકો 5000 રૂપિયાની નોટો ખિસ્સામાં લઈને ફરી રહ્યા છે, તેમ છતાં તેમના પેટની ભૂખ મટતી નથી. પાક.ના ચલણમાં હાજર સૌથી મૂલ્યવાન ચલણ રૂપિયા 5,000 છે. અર્થશાસ્ત્રીઓ દેશની અર્થવ્યવસ્થાને પાછી લાવવા માટે નોટબંધીની સલાહ આપી રહ્યા છે.
પાકિસ્તાનના જાણીતા અર્થશાસ્ત્રી અમ્માર ખાને આંકડા ગણાવતાં કહ્યું હતું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં 8.5 ટ્રિલિયન રૂપિયા સુધીની રોકડની અછત છે. એક મોટી સમસ્યાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે જો કોઈ પાકિસ્તાનમાં પેટ્રોલ ખરીદવા જાય છે તોપણ તે રોકડમાં ચૂકવે છે. જોકે પેટ્રોલની આયાત ડોલરમાં થાય છે, પરંતુ રોકડ ચુકવણીને કારણે અર્થતંત્રમાં ટેક્સ નથી જતો. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો આ એકમાત્ર રસ્તો છે. અર્થશાસ્ત્રી અમ્માર ખાને આ માટે દલીલ કરી હતી કે સરકારે લગભગ 8 ટ્રિલિયન રૂપિયા સરકારને ચલણમાંથી બહાર કરવા જોઈએ.