1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાન આર્થિક પાયમાલીના આરે: ઈરાન-અમેરિકા યુદ્ધે કમર તોડી
પાકિસ્તાન આર્થિક પાયમાલીના આરે: ઈરાન-અમેરિકા યુદ્ધે કમર તોડી

પાકિસ્તાન આર્થિક પાયમાલીના આરે: ઈરાન-અમેરિકા યુદ્ધે કમર તોડી

0
Social Share

ઈસ્લામાબાદ, 30 એપ્રિલ 2026: દેવાના બોજ તળે દબાયેલું પાકિસ્તાન હવે સંપૂર્ણપણે આર્થિક પાયમાલીના આરે આવી ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સૌથી ગંભીર અસર પાકિસ્તાનના અર્થતંત્ર પર પડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતે વિશ્વ સમક્ષ કબૂલાત કરી છે કે ઈરાન યુદ્ધે દેશની અર્થવ્યવસ્થાને લકવાગ્રસ્ત કરી દીધી છે અને સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. એક સત્તાવાર નિવેદનમાં શાહબાઝ શરીફે ભારે હૈયે જણાવ્યું હતું કે પાકિસ્તાને છેલ્લા બે વર્ષમાં જે પણ આર્થિક સુધારા કર્યા હતા, તે આ યુદ્ધને કારણે ધૂળમાં મળી ગયા છે. યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધતા પાકિસ્તાનના ઓઈલ ઈમ્પોર્ટ બિલમાં તોતિંગ વધારો થયો છે.

ઈરાન- અમેરિકા વચ્ચેના યુદ્ધ પહેલા અઠવાડિયે આશરે 30 કરોડ યુએસ ડોલરનો ખર્ચ થયો હતો. જે હાલ વધીને અઠવાડિયે આશરે 80 કરોડ યુએસ ડોલર થઈ રહ્યો છે. આ ધરખમ વધારાને કારણે દેશનું વિદેશી હૂંડિયામણ ઝડપથી ઘટી રહ્યું છે. પાકિસ્તાનમાં ઉર્જા સંકટ એટલું ઘેરું બન્યું છે કે દેશમાં હવે માંડ એક અઠવાડિયું ચાલે તેટલો જ કાચા તેલનો જથ્થો બચ્યો છે. ઉર્જા અને નાણા મંત્રાલયના ગુપ્ત રિપોર્ટ અનુસાર, દેશ પાસે માત્ર 5 થી 7 દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. જો નવો જથ્થો સમયસર નહીં પહોંચે તો દેશમાં વાહનવ્યવહાર અને ઉદ્યોગો ઠપ્પ થઈ શકે છે.

આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા પાકિસ્તાન બચવા માટે હવાતિયી મારી રહ્યું છે. તેલનો વપરાશ ઘટાડવા માટે લોકોને ફરી ‘વર્ક ફ્રોમ હોમ’ કરવા સલાહ અપાઈ છે. તેમજ સરકારી ખર્ચમાં કાપ મૂકવા માટે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓના પગારમાં કાપની જાહેરાત કરવામાં આવી છે. યુદ્ધ ચાલુ રહેવું પાકિસ્તાન માટે આત્મઘાતી સાબિત થઈ રહ્યું હોવાથી શાહબાઝ શરીફ હવે મધ્યસ્થી કરવા માટે બેતાબ બન્યા છે. જોકે, અમેરિકા અને ઈરાન બંનેએ બીજા રાઉન્ડની વાતચીતનો ઈનકાર કરી દેતા પાકિસ્તાનની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. શરીફે લાચારી વ્યક્ત કરતા સ્વીકાર્યું કે, “પાકિસ્તાન એકલું આ વૈશ્વિક સમસ્યાનું સમાધાન લાવી શકે તેમ નથી, અમને આંતરરાષ્ટ્રીય સમુદાયના તાત્કાલિક સહયોગની જરૂર છે.”

આ પણ વાંચોઃ લો બોલો, હવે ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને પોતાના નામ ઉપર રાખ્યું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code