ભારતીય જવાનોને ફસાવવા માટે પાકિસ્તાન હનીટ્રેપનો હથિયારની જેમ કરે છે ઉપયોગ
નવી દિલ્હીઃ દેશમાં હનીટ્રેપની ધટના અવાર-નવાર સામે આવે છે, પરંતુ ભારતમાં પ્રથમવાર હની ટ્રેપની ઘટના 1980ના સમયગાળામાં સામે આવી હતી. 1980માં ભારતીય સેનાના એક જવાનને પાકિસ્તાને હનીટ્રેપમાં ફસાવ્યાં હતા અને ભારતીય સેનાના ઉચ્ચ અધિકારી પાસેથી કેટલીક મહત્વાની વિગતો મેળવી હોવાનું સામે આવ્યું હતું. પાકિસ્તાની સેનાએ હનીટ્રેપ મારફતે ભારતીય જવાનોને ફસાવવા કાવતરુ ઘડ્યું છે. એટલું જ નહીં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ મહિલાઓને ખાસ તાલીક આપે છે, આ ઉપરાંત હૈદરાબાદ અને કરાંચીમાં કોલસેન્ટર પણ ઉભા કર્યાં છે. તેમજ હનીટ્રેપમાં ફસાવતી મહિલાઓ હિન્દુ નામ ધારણ કર્યા બાદ પોતે હિન્દુ હોવાનો દેખાવ કરતી હોવાનું જાણવા મળે છે. જો કે, ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ જવાનો હનીટ્રેપથી દૂર રહે તેવા પ્રયાસો કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાવલપિંડી, પાકિસ્તાન આર્મીનું હેડક્વાર્ટર, જ્યાં ફાતિમા જિન્નાહ મહિલા યુનિવર્સિટી આવેલી છે. આ તે જગ્યા છે જ્યાં એવું માનવામાં આવે છે કે, હની ટ્રેપ માટે પસંદ કરાયેલી મહિલાઓને તાલીમ આપવામાં આવે છે. આ માહિતી વર્ષ 2019 માં પ્રથમ વખત પ્રકાશમાં આવી જ્યારે યુનિવર્સિટી દ્વારા સોશિયલ મીડિયા નિષ્ણાત માટે જાહેરાત જારી કરવામાં આવી. તેનું ઉદ્ઘાટન વર્ષ 1998માં પાકિસ્તાનના તત્કાલિન પીએમ નવાઝ શરીફ દ્વારા કરવામાં આવ્યું હતું. હની ટ્રેપ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ 1974માં બ્રિટિશ લેખક જ્હોન લે કેરે તેમની એક જાસૂસી નવલકથામાં કર્યો હતો. વિશ્વમાં હની ટ્રેપનો પહેલો કિસ્સો પ્રથમ વિશ્વયુદ્ધમાં જોવા મળ્યો જ્યારે માતાહારીએ જર્મન સૈનિકોને પોતાની સુંદરતાની જાળમાં ફસાવ્યા હતા. જો આપણે ભારત વિશે વાત કરીએ તો તેનો પ્રથમ ઉલ્લેખ વર્ષ 1980માં જોવા મળે છે. ત્યારે ભારતીય ગુપ્તચર એજન્સી RAWના અધિકારી KV ઉન્નીકૃષ્ણનની હની ટ્રેપનો મામલો સામે આવ્યો હતો.
હની ટ્રેપ એટલે ચોક્કસ માહિતી મેળવવા માટે રોમેન્ટિક અથવા જાતીય સંબંધનો ઉપયોગ કરવો. ક્યારેક હની ટ્રેપનો ઉપયોગ બળજબરીથી નાણા પડાવવા કે બ્લેકમેલ માટે પણ કરવામાં આવે છે. આ વાતને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI મહિલાઓને તાલીમ આપે છે. કરાચી, હૈદરાબાદ અને રાવલપિંડીમાં ISI અને પાકિસ્તાન આર્મી આ માટે છોકરીઓને તાલીમ આપે છે. આ છોકરીઓને એવી રીતે પ્રશિક્ષિત કરવામાં આવે છે કે, તેઓ ભારતીય સેનાના જવાનોને સેનાની સંસ્થાઓ, લશ્કરી પ્રવૃત્તિઓ અને મિસાઈલ પ્રક્ષેપણ કેન્દ્રો વિશે સંવેદનશીલ માહિતી આપી શકે. ISI આ હેતુ માટે WhatsApp, Facebook અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા આ ખૂની સુંદરીઓનું સૌથી મોટું હથિયાર બની જાય છે.
એક રિપોર્ટ અનુસાર, ISIએ ડઝનબંધ કોલ સેન્ટરો સ્થાપ્યા છે. આ કોલ સેન્ટરો પર પાકિસ્તાની યુવતીઓ ભારતીય હિંદુ યુવતીઓ તરીકે દેખાતી જોવા મળે છે અને સોશિયલ મીડિયા દ્વારા ભારતીય સેનાના જવાનોને ફસાવવાનો પ્રયાસ કરે છે. આ ખતરનાક ગેમને એક્ઝિક્યુટ કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ અને ઈન્ટરનેટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ છોકરીઓ નકલી પ્રોફાઇલ બનાવે છે અને પોતાને ભારતીય સેનાના જવાનોની મહિલા સંબંધીઓ તરીકે રજૂ કરે છે. તેઓ કપાળ પર બિંદી પહેરે છે અને પોતાને હિંદુ તરીકે બતાવવા માટે કાંડા પર ‘કલાવ‘ પણ પહેરે છે. તેમની પૃષ્ઠભૂમિમાં ગાંધી અથવા હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો મૂકવામાં આવ્યા છે. મહિલા જાસૂસો શંકાથી બચવા હિંદુ છોકરીઓની જેમ પોશાક પહેરે છે.
વર્ષ 2022માં ISIનું એક કાવતરું ઝડપાયું હતું. તેમાં ખુલાસો થયો હતો કે ISI દ્વારા આ હેતુ માટે પાકિસ્તાનના બે કોલ સેન્ટરમાં યુવતીઓની કેવી રીતે ભરતી કરવામાં આવી હતી. એક કોલ સેન્ટર હૈદરાબાદ અને બીજું રાવલપિંડીમાં હતું. તેઓને ડેટા માઇનિંગ, ભારતીય સંરક્ષણ કર્મચારીઓને શોધવા માટે કીવર્ડ ટાઇપ કરવાની તાલીમ આપવામાં આવી હતી. તેઓ તેમના વિશિષ્ટ લશ્કરી હેરકટ્સ દ્વારા સંરક્ષણ કર્મચારીઓને પણ ઓળખે છે. એક છોકરીને એક દિવસમાં 50 થી વધુ પ્રોફાઇલ હેન્ડલ કરવાની તાલીમ આપવામાં આવે છે.