કઠુઆમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું, પ્રજાસત્તાક દિવસે હાઈ એલર્ટ
નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: આજે જ્યારે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ડૂબેલો છે, ત્યારે સરહદ પારથી પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકત કરવાનો પ્રયાસ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ સેક્ટરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળતા સુરક્ષા એજન્સીઓ સાબદી બની ગઈ છે.
પ્રજાસત્તાક દિવસના સંવેદનશીલ અવસરને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો પહેલાથી જ સાવચેત હતા. ડ્રોન દેખાયાની જાણ થતાની સાથે જ ભારતીય સેના અને સુરક્ષા દળોએ તુરંત જ ‘એન્ટી-ડ્રોન સિસ્ટમ’ સક્રિય કરી દીધી હતી. ડ્રોનની ગતિવિધિ પર નજર રાખીને તેને તોડી પાડવા અથવા ભગાડવા માટે જવાનોએ મોરચો સંભાળી લીધો હતો.
સુરક્ષા એજન્સીઓએ કઠુઆ અને આસપાસના સરહદી વિસ્તારોમાં ‘હાઈ એલર્ટ‘ જાહેર કરી દીધું છે. આશંકા છે કે ડ્રોન દ્વારા હથિયારો અથવા ડ્રગ્સનું ડ્રોપિંગ કરવામાં આવ્યું હોઈ શકે છે. આ શક્યતાને નકારી ન શકાય તે માટે સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જંગલો અને ખેતરોમાં ઝીણવટભરી તપાસ ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા ઘૂસણખોરીનો આ પહેલો બનાવ નથી. છેલ્લા કેટલાક દિવસોથી ધુમ્મસ અને ઠંડીનો લાભ લઈને પાકિસ્તાન સતત ડ્રોન મારફતે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરાવવા અને માદક પદાર્થો કે હથિયારો મોકલવાના પ્રયાસો કરી રહ્યું છે. જોકે, ભારતીય જવાનોની સતર્કતાને કારણે દુશ્મનોના ઈરાદાઓ સફળ થઈ રહ્યા નથી.
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની પાઠવી શુભેચ્છા


