2027 સુધીમાં ડિઝલ ફોર-વ્હીલર અંગે પેનલની ભલામણ કોઈ નિર્ણય લેવાયો નથીઃ કેન્દ્ર સરકાર
નવી દિલ્હીઃ ભારતમાં ડીઝલ વાહન માલિકોને પેટ્રોલિયમ મંત્રાલયે મોટી રાહત આપી છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે, પેનલની ભલામણોને લાગુ કરશે નહીં. મંત્રાલયે સોશિયલ મીડિયા ટ્વિટર દ્વારા કહ્યું કે કેન્દ્રએ હજુ સુધી તેની એનર્જી ટ્રાન્ઝિશન પેનલનો રિપોર્ટ સ્વીકાર્યો નથી. અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે સ્વચ્છ ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે ભારતના તમામ મોટા શહેરોમાં 2027 સુધીમાં ડીઝલ ફોર-વ્હીલરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. રિપોર્ટમાં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ડીઝલ કાર પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી છે.
મંત્રાલયે કહ્યું કે પેનલની ભલામણો ભવિષ્યવાદી છે. તેમાં લખ્યું હતું, “ભારત 2070 સુધીમાં નેટઝીરો માટે પ્રતિબદ્ધ છે. ETAC એ ઓછી કાર્બન ઊર્જા તરફ જવા માટે વ્યાપક અને આગળ દેખાતી ભલામણો કરી છે. ETAC પાસે ભવિષ્યવાદી અભિગમ છે.” જો કે, મંત્રાલયે જણાવ્યું હતું કે, આવા પ્રતિબંધોને લાગુ કરવા પર અંતિમ નિર્ણય લેવા માટે રાજ્યો સહિત તમામ હિતધારકો સાથે ઘણી પરામર્શની જરૂર છે.
ભારતમાં વપરાતા તમામ અશ્મિભૂત ઇંધણમાં ડીઝલના વેચાણનો હિસ્સો લગભગ 40 ટકા છે. લગભગ 80 ટકા ટ્રાન્સપોર્ટ સેક્ટર ચલાવવા માટે ડીઝલ પર નિર્ભર છે. કોમર્શિયલ વાહનો ઉપરાંત, ડીઝલનો ઉપયોગ ઘણા ખાનગી વાહન માલિકો દ્વારા પણ કરવામાં આવે છે. પ્રતિબંધનો વિકલ્પ આપવા માટે યોગ્ય આયોજનની જરૂર પડશે. તેથી, મંત્રાલયે કહ્યું, “ETACની ભલામણો પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.” કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હાલ ડીઝલ વાહનના માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે.