નવી દિલ્હી: હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતે શાનદાર ઉછાળો નોંધાવ્યો છે. ભારતીય પાસપોર્ટ હવે 58 દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા આપે છે. આ કારણે ભારતની રેન્કિંગ ગયા વર્ષે 80મા ક્રમેથી વધીને હવે 76મા ક્રમે પહોંચી છે. નિષ્ણાતોના મતે આ વધારો ભારતની સક્રિય કૂટનીતિક ભાગીદારીઓ, દ્વિપક્ષીય સમજૂતીઓ અને વૈશ્વિક મંચો (G20, બ્રિક્સ અને આસિયાન) પર વધતી ભૂમિકાને કારણે જ શક્ય બન્યો છે. આથી ભારતીય નાગરિકોને મુસાફરીમાં સરળતા મળશે તેમજ વૈશ્વિક સ્તરે દેશની સાખ પણ વધુ મજબૂત બનશે.
ભારતની પાસપોર્ટ રેન્કિંગમાં સુધારો થયો છે, ત્યારે અમેરિકાનું પાસપોર્ટ છેલ્લા 20 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. આઇસલૅન્ડ અને લિથુઆનિયા સાથે અમેરિકા આ વખતે 10મા ક્રમે છે. રિપોર્ટ મુજબ, અમેરિકન નાગરિકોની વિઝા-ફ્રી મુસાફરીની સુવિધામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં સિંગાપુર પ્રથમ સ્થાને છે. તેના નાગરિકોને 193 દેશોમાં વિઝા-ફ્રી અથવા વિઝા-ઑન-અરાઇવલ સુવિધા મળે છે. બીજા ક્રમે જાપાન અને દક્ષિણ કોરિયા (190 દેશો) છે. ત્રીજા ક્રમે ડેનમાર્ક, ફિનલૅન્ડ, ફ્રાન્સ, જર્મની, આઇરલૅન્ડ, ઇટાલી અને સ્પેન છે. ચોથા ક્રમે સ્વીડન, ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, નૉર્વે, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ અને પોર્ટુગલ છે. પાંચમા ક્રમે સ્વિટ્ઝર્લૅન્ડ, ન્યૂઝીલેન્ડ અને ગ્રીસ (187 દેશો) છે.
ભારતના પાસપોર્ટની સ્થિતિમાં થયેલો સુધારો અનેક કારણોસર નોંધાયો છે.
* આંતરરાષ્ટ્રીય ભાગીદારીનો વિસ્તરણ
* પરસ્પર વિઝા સમજૂતીઓ
* વૈશ્વિક મંચો પર ભારતની સક્રિય ભૂમિકા
* આર્થિક અને રક્ષણ ક્ષેત્રે સહકારમાં વધારો
આ દર્શાવે છે કે ભારતને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જવાબદાર અને પ્રભાવશાળી શક્તિ તરીકે માન્યતા મળી રહી છે. તેનો સીધો લાભ ભારતીય નાગરિકોને વિદેશ પ્રવાસમાં સરળતા રૂપે મળશે તેમજ ભારતની વૈશ્વિક સ્થિતિ વધુ મજબૂત બનશે.