Site icon Revoi.in

થરાદ-અમદાવાદ હાઈવે માટે જમીન સંપાદન કરનારા ખેડુતોને નવી જંત્રી પ્રમાણે વળતર ચુકવો

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદથી અમદાવાદ સુધીના એક્સપ્રેસ વે માટે જમીન સર્વેની કામગીરી બાદ જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જમીન સંપાદન કરેલા ખેડુતોને વળતર પણ ચુંકવવામાં આવી રહ્યું છે. ત્યારે દિયોદર અને લાખણી તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ તેઓની સંપાદન થતી જમીનનું જૂની જંત્રી પ્રમાણે નહીં પરંતુ નવી જંત્રી મુજબ વળતર ચુકવવાની માંગણી કરી છે. આ મામલે નાયબ કલેકટરને આવેદન આપીને ખેડૂતોએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત માંગણી નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે માટે સર્વે થયા બાદ જમીન સંપાદન કરવામાં આવી રહી છે. ત્યારે દિયોદર અને લાખણી તાલુકાના આ ખેડૂતોએ નવી જંત્રી પ્રમાણે ખેડૂતોની જમીન સંપાદનના ભાવ મળી રહે એ માટે દિયોદર પ્રાંતઅધિકારીને રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું હતુ. આ વિસ્તારમાં નર્મદાના અને સુજલામ સુફલામના નીર આવતા આ વિસ્તારના ખેડૂતો સીઝનમાં 3થી 4 પાક લેતા થયા છે. ત્યારે ખેડુતોને નવી જંત્રી પ્રમાણે વળતર મળવું જોઈએ. એવી માગ ઊઠી છે.

દિયોદર અને લાખણી તાલુકાના 14 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે. ત્યારે આ મહામૂલી જમીન પાણીના ભાવે ન વેચાય અને 2011ની જૂની જંત્રી પ્રમાણે નહીં, પરંતુ 2024ની નવી જંત્રી પ્રમાણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખેડૂતોની જમીનનું પુરતું વળતર મળી રહે એ માટે ખેડૂતોએ રજૂઆત કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે સરકાર અમારી માંગ નહીં સંતોષાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને ન્યાય માટે કોર્ટના દ્વાર પણ ખખડાવવાની ફરજ પડશે.  જૂની જંત્રીની કિંમત સરેરાશ 15 રૂપિયાથી 50 રૂપિયા અંદાજિત દરેક ગામની જંત્રી છે. સરકાર દ્વારા નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે. થરાદથી અમદાવાદ એક્સપ્રેસવેમાં લાખણી તાલુકાના બે ગામ લીંબાવું અને ચાળવા દિયોદર તાલુકાના 12 ગામ ફોરણા, સરદારપુરા જસાલી, ઓઢા ,કોટડા-વાતમ, જુના-માતમ, નવા-સેસણ, જુના ચોટીલા, સહિત મકડાલા ગામોના ખેડૂતોની જમીન સંપાદન થઈ છે.

Exit mobile version