1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લાયન કન્‍ઝર્વેશન એન્‍ડ પ્રોટેક્શનની યોજનાઓ અને પ્રોજેક્ટ્સ અસરકારક બનાવ્યા છે : મુખ્યમંત્રી
લાયન કન્‍ઝર્વેશન એન્‍ડ પ્રોટેક્શનની યોજનાઓ અને પ્રોજેક્ટ્સ અસરકારક બનાવ્યા છે : મુખ્યમંત્રી

લાયન કન્‍ઝર્વેશન એન્‍ડ પ્રોટેક્શનની યોજનાઓ અને પ્રોજેક્ટ્સ અસરકારક બનાવ્યા છે : મુખ્યમંત્રી

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે સિંહના સંરક્ષણ, સંવર્ધનને પ્રાથમિકતા આપીને લાયન કન્‍ઝર્વેશન એન્‍ડ પ્રોટેક્શનની યોજનાઓ તથા પ્રોજેક્ટ્સ અસરકારક અને વ્યાપક બનાવ્યા છે. મુખ્યમંત્રી ગાંધીનગરમાં વિશ્વસિંહ દિવસ-2023ની ગરિમામય ઉજવણીમાં સંબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ઉજવણીમાં બાયસેગના માધ્યમથી સહભાગી થયેલી 74 તાલુકાઓની સાત હજાર ઉપરાંત શાળાઓ, વન્યપ્રાણી પ્રેમી નાગરિકો, સ્વૈચ્છિક સંગઠનોને રાજ્ય સરકારે સિંહ સંરક્ષણ માટે લીધેલા પગલાઓની વિસ્તૃત વિગતો આપી હતી. વનમંત્રી મૂળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી  મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીએ સિંહ અંગેની લાયન એન્થમ ફિલ્મનું લોન્ચિંગ કર્યું હતું. આ ફિલ્મનું નિર્માણ રોહન ત્રિવેદીના દિગ્દર્શનમાં એકતા જન્મય ચોકસીએ કરેલું છે. પાર્થ તાજપરાના શબ્દોને બ્રીજરાજ ગઢવીએ કંઠથી અને નિશિત મહેતાએ સંગીત બદ્ધ કર્યા છે. સિંહના રિયલ ટાઈમ લોકેશન અને તેની મૂવમેન્ટ અંગેની જાણકારી લોકો આપી શકે તે માટે વન વિભાગે તૈયાર કરેલી ‘સિંહ સૂચના વેબ એપ’ નું લોન્ચિંગ તેમજ ડૉ. સક્કિરા બેગમના પુસ્તક ‘ધ કિંગ ઓફ ધ જંગલ – એશિયાટિક લાયન ઓફ ગીર’ તથા અરવિંદ ગોસ્વામીના પુસ્તક ‘હું ગીરનો સાવજ’ નાં વિમોચન પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા હતા.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીને ગીરના સિંહ પ્રત્યે વિશેષ લગાવ છે તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનની પ્રેરણાથી લાયન એટ 2047-વિઝન ફોર અમૃતકાળના લક્ષ્ય સાથે લાયન પ્રોજેક્ટ શરૂ થયો છે. સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે આ પ્રોજેક્ટ માટે 2900 કરોડની ફાળવણી વડાપ્રધાને કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સિંહો માટે બ્રીડિંગ સેન્ટર, આઇસોલેશન સેન્ટર, રેડિયોકોલર, ડ્રોનનો ઉપયોગ અને સિંહ સારવાર કેન્દ્રમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવાનું આયોજન આ પ્રોજેક્ટ અંતર્ગત થવાનું છે. વન વિભાગના વણથક પ્રયત્નો અને લોક ભાગીદારીથી સિંહ સંવર્ધન પ્રત્યે જાગૃતિ વધી છે. સિંહની વસ્તીમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે અને 2010 માં 411  સિંહ હતા તે વધીને 2020માં 674 થયા છે. એટલું જ નહિ, સિંહના વિચરણનો વિસ્તાર પણ ગીર ઉપરાંત ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર વિસ્તારો મળીને કુલ 30 હજાર ચોરસ કિલોમીટરનો થયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીરમાં સિંહને મુક્તપણે વિહરતા જોવા સિંહ દર્શન માટે આવનારા પ્રવાસીઓની સંખ્યા ગયા વર્ષે 8 લાખે પહોંચી છે તેની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, સાસણગીર ખાતેના સફારી પાર્કમાં થઈ રહેલા પ્રવાસીઓના વધારાના ભારણને ઘટાડવા ગીરના પૂર્વ વિસ્તાર એવા ઉના તાલુકાના નાળીયા માંડવી ખાતે નવીન સફારી પાર્ક રાજ્યના બજેટમાં મંજુર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે વ્યાપક લોક સહયોગની અપેક્ષા દર્શાવતા સૌને તે માટે પ્રતિબદ્ધ થવા આહવાન પણ કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code