
પીએમ મોદી આજે સવારે 11 વાગ્યે ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક, સાયક્લોન ‘યાસ’ની તૈયારીઓ પર થશે ચર્ચા
- ‘તાઉ તે’ બાદ ‘યાસ’ વાવાઝોડાનો ખતરો
- પીએમ મોદી આજે કરશે સમીક્ષા બેઠક
- ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક
- સાયક્લોન યાસની તૈયારીઓ પર ચર્ચા
દિલ્લી: સાયક્લોન ‘તાઉ તે’ બાદ હવે દેશમાં વધુ એક તોફાન ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. બંગાળની ખાડીમાં સાયક્લોન તોફાન ‘યાસ’ હવે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી શકે છે. તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. બેઠકમાં પીએમ મોદી સાયક્લોન ‘યાસ’ માટેની તૈયારીઓની સમીક્ષા કરશે.આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ સહીત અન્ય મંત્રીઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં એનએમડીએ,ટેલીકોમ, પાવર,સિવિલ એવિએશન,પૃથ્વી વિજ્ઞાન વિભાગના સચિવો પણ ઉપસ્થિત રહેશે.
આ પહેલા ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ‘યાસ’ સાયક્લોનને વધુ શક્તિશાળી બનાવી રહ્યું છે અને તેનો ભય પહેલા કરતા વધારે વધી ગયો છે. દેશમાં થોડા દિવસો પહેલા પશ્ચિમ કાંઠે ત્રાટકતા તીવ્ર ‘તાઉ તે’ સાયક્લોન તોફાનને ભારે વિનાશ વેર્યો હતો. ‘તાઉ તે’ તોફાનથી મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી.
પ્રાદેશિક હવામાન કેન્દ્રના નિયામકે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર સાયક્લોન ‘યાસ’ને વધુ શક્તિશાળી બનાવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, હાલમાં જે પ્રકારનાં દબાણ જોવા મળી રહ્યા છે, તેનાથી અમે અંદાજ લગાવી શકીએ છીએ કે, 26 મેના રોજ સાયક્લોન તોફાન ‘યાસ’ પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ સાયક્લોન પશ્ચિમ તરફ આવશે ત્યારે પવનની ગતિ વહેલી સવારથી જ 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની અપેક્ષા છે.