HomeગુજરાતીટેકનોલોજીPM મોદીનો વિકાસ મંત્ર: ટેકનોલોજી અને ડેટાનો લાભ દરેક નાગરિક સુધી પહોંચવો...

PM મોદીનો વિકાસ મંત્ર: ટેકનોલોજી અને ડેટાનો લાભ દરેક નાગરિક સુધી પહોંચવો જોઈએ

નવી દિલ્હી, 13 ઓક્ટોબર 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેકનોલોજી, ડેટા અને ઇનોવેશનના યુગમાં વિકાસ અંગેનો નવો અભિગમ રજૂ કરતા જણાવ્યું છે કે, કોઈપણ તાકાતનું સાચું મૂલ્ય તેના ઉપયોગના હેતુથી નક્કી થાય છે. જો ટેકનોલોજીનો લાભ માત્ર કેટલાક લોકો સુધી જ મર્યાદિત રહે, તો તેનો વાસ્તવિક હેતુ પૂર્ણ થતો નથી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના કરોડો લોકો માટે નવી તકો ઊભી કરવાનો અને તેમની ક્ષમતાઓમાં વધારો કરવાનો હોવો જોઈએ.

ભારતમાં પ્રથમ વખત યોજાયેલા ‘બ્લૂમબર્ગ ન્યૂ ઈકોનોમી ફોરમ’ને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે ડેટા, જ્ઞાન, ટેકનોલોજી અને નવતર પ્રયોગો (ઈનોવેશન) વિશ્વની મોટી શક્તિ બની ચૂક્યા છે. આવી સ્થિતિમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે તેનો ઉપયોગ માત્ર અમુક વર્ગને આગળ ધપાવવા માટે થઈ રહ્યો છે કે સમાજના વિશાળ વર્ગને વિકાસની તકો પૂરી પાડવા માટે?

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર પાસે સત્તા અને સંસાધનો હોય છે, પરંતુ તેનો હેતુ નાગરિકોને વ્યવસ્થા પર નિર્ભર બનાવવાનો નથી, પરંતુ તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો હોવો જોઈએ. ભારત આ જ વિચારસરણી સાથે આગળ વધી રહ્યું છે.

છેલ્લા દાયકાની અદ્ભુત સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, વિતેલા 10 વર્ષોમાં ભારતમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ સફળતા દેશમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તન અને સામાન્ય લોકોને વિકાસની મુખ્યધારા સાથે જોડવાના સતત પ્રયાસોનું પરિણામ છે.

  • શક્તિનો યોગ્ય ઉપયોગ જ તેની ખરી ઓળખ

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ઉમેર્યું કે, કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસે કેટલું જ્ઞાન, સંપત્તિ કે સત્તા છે તેના કરતાં વધુ મહત્વનું એ છે કે તે તેનો ઉપયોગ કયા હેતુ માટે કરે છે. કોઈપણ તાકાતની વાસ્તવિક કિંમત તેના સકારાત્મક અને લોકકલ્યાણકારી ઉપયોગમાં રહેલી છે.

તેમણે ભારતની હજારો વર્ષ જૂની સાંસ્કૃતિક પરંપરાઓનો સંદર્ભ આપતા કહ્યું કે, આપણો વારસો પણ આ જ વિચાર પર ભાર મૂકે છે. ભારતે પોતાની સુશાસન વ્યવસ્થા અને કામગીરીમાં આ અભિગમ અપનાવ્યો છે, જેથી વિકાસના ફળ દેશના દરેક નાગરિક સુધી પહોંચી શકે.

  • ભારતમાં પ્રથમ વખત યોજાયું ‘બ્લૂમબર્ગ ન્યૂ ઈકોનોમી ફોરમ’

આંતરરાષ્ટ્રીય સ્તરના આ આયોજનની સરાહના કરતા પ્રધાનમંત્રીએ બ્લૂમબર્ગ અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નોંધ્યું કે આ મંચ વિશ્વભરના અગ્રણી વિચારકોને એકસાથે લાવે છે. પીએમ મોદીના સંબોધનનો મુખ્ય સંદેશ એ જ રહ્યો કે ટેકનોલોજી, ડેટા અને ઇનોવેશનની વાસ્તવિક સફળતા ત્યારે જ ગણાય જ્યારે તેનો લાભ સમાજના તમામ વર્ગો સુધી પહોંચે અને લોકોને સશક્ત બનવાની તક મળે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular