Site icon Revoi.in

રાજકોટમાં રૂપિયા 2.49 કરોડના લૂંટ કેસમાં પોલીસે MPથી 3 શખસોને દબોચી લીધા

Social Share

રાજકોટ, 29 જુન, 2026 : Police arrest 3 people from MP in Rs 2.49 crore robbery case શહેર નજીક આવેલા અને ઔદ્યોગિક ગણાતા એવા શાપર-વેરાવળ વિસ્તારમાં ગઈ તા. 19મી જુનના રોજ રૂપિયા 2.49 કરોડની લૂંટનો બનાવ બન્યો હતો. પોલીસે લૂટારા શખસોને પકડવા ભારે જહેમત ઉઠાવી હતી. રેન્જ આઈજી નિર્લિપ રાયે પણ લૂંટારૂના પકડવા માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન પોલીસે લૂંટ કેસમાં એમપી જઈને તેજોરિયા ગામ નજીક રહેતા ત્રણ આરોપીને દબોચી લીધા હતા. આ કેસમાં  હજુ 5 જેટલા આરોપીઓ ફરાર છે.

આ બનાવની વિગત એવી છે કે, ગઈ તા. 19 જૂન, 2026ના રોજ શાપરના મોભી એવા 77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્‍યારે દરવાજો તોડીને ઘૂસેલા 5 બુકાનીધારી લૂંટારૂઓએ તેમને બંધક બનાવી રોકડ, દાગીના મળી રૂ. 2 કરોડ 49 લાખની માલમત્તાની લૂંટ ચલાવી લેતાં સનસનાટી મચી ગઈ હતી. લૂંટારાઓ રોકડ-દાગીનાની સાથે સાથે બાર બોરની પરવાનાવાળી રાયફલ અને મોબાઇલ ફોન પણ લૂંટી જતાં જિલ્લાભરની પોલીસ ભેદ ઉકેલવા કામે લાગી હતી. રૂરલ પોલીસની 15 જેટલી ટીમ દાહોદ-ગોધરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિતના રાજ્યોમાં ભૂતકાળમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતી ગેંગની તપાસમાં દોડી ગઇ હતી અને તેની સંડોવણી અંગે તપાસ કરી હતી. ત્યાર બાદ બાતમીના આધારે ત્રણ શખ્સને દબોચી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રૂપિયા 41 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ સમગ્ર બનાવમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, જાણેભેદુઓએ રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્‍યાની શંકા છે. તેમના પુત્ર દ્વારા હાલમાં જ શાપરની બીનખેતીની જમીનનું વેંચાણ ચાલુ કરવામાં આવ્યું હોઇ તેની રકમ આવે તે શાપર ખાતેના ઘરમાં જ રાખવામાં આવતી હતી. જે રકમની લૂંટ થઇ તે જમીન વેંચાણની જ હતી. જમીન વેંચાણની મોટી રકમ શાપરના આ ઘરમાં જ હોવાની અને વૃદ્ધ એકલા જ અહીં હોવાની વિગતોથી લૂંટારા વાકેફ હતા.

Exit mobile version