સુરત, 4 જુન, 2026 : Police arrest gang involved in robbery શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોની નજર ચુંકવીને બેગ કે પર્સ ઝૂંટવીને નાસી જતી ગેન્ગને પોલીસે દબોચી લીધી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં થોડા દિવસો પહેલાં મોડી રાત્રે અંધારાનો લાભ લઈ જાહેર ગલીમાં એક બાઈકસવાર વેપારીની નજર ચૂકવીને લાખો રૂપિયાની રોકડ ભરેલી બેગ આંચકીને કેટલાક શખસો પલાયન થઈ ગયા હતા. લિંબાયત પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂ ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે લૂંટની રકમની સંપૂર્ણ રિકવરી સાથે ચાર રીઢા આરોપીઓ અને બે બાળ કિશોરોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી બાઇક તેમજ બે મોટા અને અત્યંત ઘાતક રેમ્બો ચપ્પુ પણ મળી આવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે ફરિયાદી પોતાની બાઈક પર બેઠા હતા અને તેમની પાછળ પૈસા ભરેલી બેગ મૂકેલી હતી. દરમિયાન ફરિયાદી ગલીમાં જ ઉભા રહીને તેમના એક મિત્ર સાથે વાતચીત કરી રહ્યા હતા અને આસપાસ સામાન્ય લોકોની અવરજવર ચાલુ હતી. તે જ સમયે અન્ય ગલીમાંથી એક શખસ વાદળી રંગનું ટી-શર્ટ પહેરીને, કાન પર મોબાઈલ રાખી વાત કરવાનો ઢોંગ કરતો ત્યાં આવી પહોંચ્યો હતો. રાત્રિના અંધારા વચ્ચે ફરિયાદી અને તેનો મિત્ર કશું સમજે તે પહેલાં જ આ તસ્કરે બાઈક પર મૂકેલી લાખો રૂપિયાની બેગ ઝાપટ મારીને આંચકી લીધી હતી અને પળવારમાં ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ફરિયાદીના મિત્રએ તસ્કરની પાછળ દોડીને તેને પકડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી આગળ ઉભેલી બાઇક પર પોતાના સાગરીતો સાથે ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ હતી.
આ બનાવમાં ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા વાદળી રંગના ટી-શર્ટવાળા શખ્સના ભાગવાના રૂટને અંધારામાં પણ અલગ-અલગ કેમેરાની મદદથી ટ્રેક કર્યો હતો. આ સાથે જ આસપાસના વિસ્તારના હ્યુમન સોર્સિસને સક્રિય કરવામાં આવ્યા હતા. પોલીસના ટેકનિકલ સેલ દ્વારા જે વિસ્તારમાં લૂંટ થઈ હતી ત્યાંના મોબાઈલ ડમ્પ ડેટા અને શંકાસ્પદ હિલચાલ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ સઘન ટેકનિકલ વર્ક-આઉટ અને લોકલ ઇન્ટેલિજન્સના સંયુક્ત ઓપરેશનના પરિણામે પોલીસને ચીલ-ઝડપ કરનારી આખી ટુકડીનું ચોક્કસ લોકેશન મળી ગયું હતું અને પોલીસે રાઉન્ડ ધી ક્લોક વોચ ગોઠવી તમામ આરોપીની ધરપકડ કરી લીધી હતી.
પોલીસે જ્યારે આ ટોળકીને કોર્ડન કરીને ઝડપી લીધી ત્યારે તેમની તલાશી લેતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ પાસેથી ચીલ-ઝડપ કરાયેલી તમામ રોકડ રકમ તો રિકવર થઈ જ હતી, પરંતુ તેની સાથે તેમની પાસેથી બે મોટા અને અત્યંત ઘાતક રેમ્બો ચપ્પુ પણ મળી આવ્યા હતા.

