Site icon Revoi.in

સુરતમાં નો-પાર્કિંગમાં કાર ટોઈંગ કરતા પોલીસ કોન્સ્ટેબલને કારચાલકે મારમાર્યો

Social Share

સુરત, 1 ફેબ્રુઆરી 2026:  શહેરના ઉધના વિસ્તારમાં આવેલા સિલિકોન શોપર્સ પાસે નો-પાર્કિંગમાં પાર્ક કરેલી કારને ટોઈંગ કરવાની કામગીરી કરી રહેલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચાલકે હુમલો કરી માર મારતા કારચાલક સામે ગુનોં નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઉધનાના સિલિકોન શોપર્સ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો-પાર્કિંગમાં ઉભેલા વાહનો હટાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક કાર ખોટી રીતે પાર્ક થયેલી હોવાથી ટ્રાફિક પોલીસના જવાનો કારને ટોઈંગ કરી રહ્યા હતા. પોતાની કાર ટોઈંગ થતી જોઈ કાર ચાલક સુનિલ મિસ્ત્રી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પહેલા પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી અત્યંત અભદ્ર વર્તન કર્યું હતું. ત્યારબાદ કારચાલકે કાયદાનો ડર રાખ્યા વિના ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ પર હાથ ઉપાડ્યો હતો અને તેમની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. કાર ચાલકની આ ગુંડાગર્દી આસપાસ ઉભેલા લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી હતી. અને લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં  ફરજ પર રુકાવટ અને હુમલાની  વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સુનિલ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાહેર માર્ગો પર વાહનો પાર્ક કરતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે અને ફરજ પરના અધિકારીઓ સાથે ગેરવર્તન કરવું એ ગંભીર ગુનો બને છે.

Exit mobile version