Site icon Revoi.in

સુરતમાં એસબીઆઈના લૂંટ કેસમાં પોલીસને મળ્યા કેટલાક સુરાગ

Social Share

સુરત, 3 મે 2026: Police find some clues in SBI robbery case શહેરના વરાછા વિસ્તારમાં એલ.એચ. રોડ સ્થિતિ એસબીઆઇ બેંકમાં 27 એપ્રિલ સોમવારે ભરબપોરે હથિયારધારી 7 શખ્સોએ રોકડ 50 લાખની લૂંટ કરતા સનસનાટી મચી ગઈ હતી. આ બનાવની સુર ક્રાઈમ બ્રાન્ચ સહિત વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. પોલીસને લૂંટરૂ શખસોની કેટલીક માહિતી મળી છે. તેના આધારે લૂંટારૂ શખસો સુધી પહોંચવા પોલીસ મથામણ કરી રહી છે.

 પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ શાખામાં રૂપિયા 50 લાખની રોકડની લૂંટના કેસમાં પોલીસ સઘન તપાસ કરી રહી છે. ત્યારે લૂંટનાં પાંચમાં દિવસે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આવતા કીમ નજીકના કન્યાસી ગામના એક ખેતરમાંથી લૂંટમાં વપરાયેલી ત્રણેય બાઈક બિનવારસી હાલતમાં મળી આવી હતી. બાઈકની જાણકારી ખેતરના માલિક અને સ્થાનિકોએ પોલીસને આપી હતી. જેથી પોલીસે ત્રણેય બાઈક જપ્ત કર્યા છે.

આ કેસની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, નેશનલ હાઈવે 48થી ત્રણ કિલોમીટર અંદર આવેલા કન્યાસી ગામથી પણ લગભગ દોઢ કિલોમીટર દૂર આવેલા એક અવાવરુ ખેતરમાં આ ત્રણેય બાઈક ફેંકીને આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતાં. મુખ્ય માર્ગથી અંદર ખેતરમાં કાચા રસ્તે જઈને તેઓએ બાઈક મૂકી દીધા હતા. ત્યાંથી તેઓ કોઈ અન્ય વાહન મારફતે કે કોઈ અન્ય અજાણ્યા રસ્તેથી રાજ્યની બહાર ફરાર થઈ ગયા હોવાની પ્રબળ આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

 મળતી માહિતી પ્રમાણે, પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ટ્રેક કરતા લૂંટારૂ શખસો ત્રણ બાઈક પર મોરાભાગળ તરફથી આવતા હોવાનું તથા સરથાણા શ્યામધામથી વાલક જંક્શન થઈ ઉંમરા વેલંજા તરફ જતાં ટ્રેક થયા હતાં. CCTV કેમેરાના આધારે પોલીસની તપાસ સાયણ સુધી પહોંચી હતી. જ્યારે અન્ય એક ટીમ સીસીટીવીની ઊલટ તપાસ કરી રહી હતી. આ દરમિયાન એક લીડ મળી હતી કે, આ લૂંટારૂઓ રાંદેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા હોવાની જાણકારી મળી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા તમામ આરોપીઓ એક નાના રૂમમાં એક સાથે ભાડે રહેતા હતા. છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી અહીં ભાડે રહેતા હતા. આ સાથે જ છેલ્લા 17 દિવસથી વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેંકની રેકી કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ સાથે જ હજારો કિલોમીટર દૂરથી સુરતમાં માત્ર બેંક લૂંટવા આવ્યા હોય તે પ્રકારની પણ શક્યતા હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય બાઇક લઈને નીકળેલા લૂંટારુઓ અત્યંત શાતિર મગજના હતા. તેઓ બરાબર જાણતા હતા કે બેંકમાં લૂંટ કર્યા પછી સુરત પોલીસ તાત્કાલિક શહેરમાં નાકાબંધી કરી દેશે અને તમામ હાઇવે તથા શહેરના CCTV કેમેરા ચેક કરશે. આથી, પોલીસને સીધો ચકમો આપવા માટે અને ટ્રેસિંગથી બચવા માટે તેઓએ એકસાથે એક જ રસ્તે ભાગવાના બદલે શહેરના ત્રણ અલગ અલગ વિસ્તારના રૂટ પસંદ કર્યા હતાં. ત્રણેય રૂટ પરથી પસાર થઈને તેઓ ભેગા મળીને સુરતના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતાં. લૂંટારૂઓએ ત્રણેય બાઈકના ચેસીસ નંબર બરાબર રીતે ઘસી નાખ્યા હતા. ચેસીસ નંબર એટલી હદે નાશ પામ્યા છે કે, તેને ઓળખવા લગભગ અશક્ય બની ગયા છે.

Exit mobile version