Site icon Revoi.in

સુરતના લસકાણા વિસ્તારમાં ગેરકાયદે દોડતા 43 ડમ્પરો પોલીસે જપ્ત કર્યા

Social Share

સુરત, 20 મે, 2026 : Police seize 43 dumpers running illegally શહેરના લસકાણા વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરો સામે અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. ત્યારે મંત્રી પ્રફુલ પાનસેરિયાના આદેશ બાદ પોલીસે ગેરકાયદે દોડતા ડમ્પરો સામે ડ્રાઈવ યોજીને ત્રણ દિવસમાં 43 ડમ્પરોને જપ્ત કરીને કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કડક કાર્યવાહીથી ડમ્પરચાલકોમાં પફડાટ વ્યાપી ગયો છે.

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા શહેરના વરાછા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન રોડ પરથી પસાર થતા માટી ભરેલા ડમ્પરમાંથી તેમની કાર ઉપર માટીના ઢગલા પડ્યા હતા. આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને મંત્રીએ લસકાણા પોલીસને તાત્કાલિક ધોરણે તપાસ કરી કડક પગલાં ભરવા સૂચના આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, રોડ પર તાડપત્રી ઢાંક્યા વગર બેફામ દોડતા ડમ્પરોમાંથી માટી અને ધૂળના રજકણો ઉડતા રહે છે, જેના કારણે પાછળ આવતા અન્ય વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે અને તેમના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડે છે.

મંત્રી પાનસેરિયાની કડક સૂચના મળતાની સાથે જ સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ લસકાણા પોલીસે શહેરમાં એક વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરીને રોડ પર નીકળેલા ડમ્પર અને ટ્રકોને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. પોલીસે માત્ર 3 જ દિવસમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ 43 વાહનો વિરુદ્ધ કાયદેસરના કેસ દાખલ કરી તમામ વાહનો જપ્ત કરી લીધા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે લસકાણા પોલીસ સ્ટેશનના PI મીનાબા ઝાલાએ જણાવ્યું હતું કે, “સુરત શહેરમાં પ્રવેશતા અને પરિવહન કરતા ભારે વાહનો જો જાહેરનામાનો ભંગ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે. બેફામ દોડતા વાહનોને કારણે અકસ્માતો થાય છે અને લોકો જીવ ગુમાવે છે. રેતી કે માટી ભરીને જતા ટ્રકો પર લીલું કાપડ કે તાડપત્રી બાંધવી નિયમ મુજબ ફરજિયાત છે. જો વાહનચાલકો નિયત સમય મર્યાદા અને નિયમોનું પાલન નહીં કરે, તો આગામી દિવસોમાં પણ પોલીસ આ જ રીતે દંડાત્મક અને કાયદેસરના પગલાં ભરવાનું ચાલુ રાખશે.

Exit mobile version