Site icon Revoi.in

305 કરોડના સાયબર ફ્રોડમાં ભાજપના કોર્પોરેટર સહિત 4 શખસોને પોલીસે પાઠ ભણાવ્યા

Social Share

જુનાગઢ, 27 જાન્યુઆરી 2026:  શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી કુખ્યાત ‘ગેમ્બલર ગેંગ’ સામે પોલીસે કાર્યવાહી કરીને ભાજપના ચાલુ કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર સહિતના ચાર આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધ્યા બાદ ચારેય આરોપીને પોલીસે શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં લાવીને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. રૂપિયા 305 કરોડના સાયબર કૌભાંડમાં સંડોવાયેલા ભાજપના કોર્પોરેટર સહિત 4 આરોપીઓને જ્યારે પોલીસ તપાસ અર્થે ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ ત્યારે તમામ આરોપી લંગડાતા જોવા મળ્યા હતા.

 જુનાગઢમાં ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના નેતૃત્વમાં પોલીસની ટીમે ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ – અબ્બાસ કુરેશી (ચાલુ કોર્પોરેટર ભાજપ), અસલમ ઉર્ફે લાલો કુરેશી (પૂર્વ કોર્પોરેટર), કરીમ સીડા અને શાહબાઝ કુરેશીને સુખનાથ વિસ્તારમાં લાવ્યા હતા. 10 દિવસના રિમાન્ડ દરમિયાન મળેલી માહિતીના આધારે, આરોપીઓ ક્યાં બેસીને આર્થિક વ્યવહારો કરતા અને ગુનાહિત કાવતરાં કેવી રીતે ઘડતા તેની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન કરીને પાસપોર્ટ, બેંક ચેકબુક, અને ડિજિટલ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.

આરોપી અબ્બાસ કુરેશી વોર્ડ નંબર 3 માં ભાજપમાંથી બિનહરીફ ચૂંટાયા હતા, કૂરેશી ગુનાખોરીનું મોટું નેટવર્ક ચલાવતો હતો. અબ્બાસ કુરેશી સામે 12, કરીમ સામે 8, જ્યારે અસલમ અને શાહબાઝ સામે 5-5 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2015થી અત્યાર સુધી આ ગેંગ પર હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને જુગારધામ ચલાવવા જેવી 14 એફઆઈઆર નોંધાઈ ચુકી છે. ​આ કેસની સૌથી ચોંકાવનારી વિગત રૂપિયા 305 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડની છે. ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ તપાસ કરતા માલૂમ પડ્યું કે આ ગેંગ મ્યુલ એકાઉન્ટ્સ (ભાડાના બેંક ખાતા) ઓપરેટ કરતી હતી. તપાસમાં મળેલા 192 શંકાસ્પદ ખાતાઓ પૈકી 52 ખાતા માત્ર જૂનાગઢના હતા. સાયબર છેતરપિંડી અને ઓનલાઈન ગેમિંગના આશરે ₹9.43 કરોડ જૂનાગઢના ખાતાઓમાં જમા થયા હતા, જે નાણાં આંગડિયા મારફતે ભાવનગર મોકલાતા હતા. ત્યાંથી આ નાણાં ક્રિપ્ટોકરન્સી (USDT) માં ફેરવીને દુબઈમાં બેઠેલા માસ્ટરમાઈન્ડ ઇરફાન જાદુગર સુધી પહોંચાડવામાં આવતા હતા.

Exit mobile version