Site icon Revoi.in

ઉનાળાના આગમન પહેલા જ વઢવાણમાં માટલાં બનાવવાની કામગીરીનો પ્રારંભ

Social Share

વઢવાણ, 3 ફેબ્રુઆરી 2026: ઉનાળાના આગમન પહેલા જ વઢવાણમાં માટલાં બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વઢવાણના માટલાં સૌરાષ્ટ્રભરમાં વખણાય છે. ઉનાળામાં માટલાંની માગ વધતા હોવાથી માટલાં બનાવતા કારીગરોએ કામગીરી શરૂ કરી દીધી છે. વઢવાણમાં બનાવાતા વિશેષ પ્રકારના માટલાઓ ઉનાળાના 45 ડિગ્રી તાપમાનમાં પણ કુદરતી રીતે ઠંડુ પાણી આપે છે, જેના કારણે તેની માંગ સતત વધી રહી છે.

સુરેન્દ્રનગરના વઢવાણમાં માટલાં બનાવવાનો ઉદ્યોગ જાણીતો છે.માટીકામ સાથે જોડાયેલા આ ઉદ્યોગમાં મહેનત અને મજૂરી વધુ હોવાથી કારીગરોની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. વઢવાણ તાલુકામાં હવે ગણ્યા ગાંઠિયા માટીકામ સાથે જોડાયેલા કારીગરો વધ્યા છે. આ કારીગરોની અનોખી કળાથી થતા ઉત્પાદિત માટીના વાસણો તેમજ માટલાઓ, તાવડીઓ અને નાના બાળકોના ગલ્લાઓની માંગ સમગ્ર ગુજરાત રાજ્યમાં છે. વઢવાણમાં અંદાજિત 30 જેટલા લોકો માટી કામ સાથે આજે પણ જોડાયેલા છે. આ કામદારો સ્પેશિયલ માટલાઓ બનાવે છે, જેમાં ઉનાળાના 45 ડિગ્રી તાપમાનમાં પણ આ માટલાઓ ઠંડુ પાણી કરે છે. ઉનાળાના ગરમીમાં પણ લોકોના આંતરડી ઠારે તેવા માટલાઓનું ઉત્પાદન વઢવાણમાં થઈ રહ્યું છે.

વઢવાણ તાલુકાના માટીકામ સાથે જોડાયેલા કામદારો દ્વારા રાણપુર, ભાવનગર, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ચુડા, લીંબડી સહિતના ગામોમાં આ ઉત્પાદિત માટલાઓ મોકલવામાં આવી રહ્યા છે.  ગ્રાહકો પણ વઢવાણી માટલા ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. પ્રતિ નંગ માટલાનો ભાવ રૂપિયા 60થી 90  સુધી રાખવામાં આવે છે. ઉનાળામાં પરબો માટે મફત માટલાઓ પણ આપવામાં આવે છે.  માટલા બનાવવાની રીતમાં પહેલા માટી કામથી તેને આકાર આપવામાં આવ્યા બાદ તેને વ્યવસ્થિત રીતે ઘડવામાં આવે છે. સ્પેશિયલ માટીથી આ માટલાઓ બનાવી અને ત્યારબાદ તેને પકવવામાં આવે છે. 24 કલાક સુધી પકવવામાં આવ્યા બાદ માટલાંને બજારમાં મોકલવામાં આવે છે.

Exit mobile version