અમદાવાદ, 9 જુન, 2026 : Pre-monsoon activity begins ગુજરાતમાં અસહ્ય ઉકળાટ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. નેઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આજે બનાસકાંઠા સહિત કેટલાક જિલ્લાઓમાં વાદળો છવાતા લોકોએ તાપમાનમાં આંશિક રાહત અનુભવી હતી. હવામાનના આગાહીકારોના કહેવા મુજબ 8 થી 14 જૂન દરમિયાન અરબ સાગરમાં પવનોની દિશા બદલાશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન અરબ સાગરમાં લો પ્રેશર (સિસ્ટમ) બનવાની પૂરેપૂરી શક્યતા છે, જે ચોમાસાને આગળ વધારવામાં મદદ કરશે. 12 જૂન સુધીમાં ચોમાસું કેરળથી આગળ વધીને કર્ણાટક અને મુંબઈના ભાગો સુધી પહોંચી જશે.
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાના આગમનના સંકેતો મળી રહ્યા છે. દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું 5 દિવસમાં 13 રાજ્ય સુધી પહોંચી ગયું છે. તેણે સોમવારે તેલંગાણામાં પ્રવેશ કર્યો છે. ચોમાસું પશ્ચિમ કિનારે હવે મુંબઈથી 150 કિમી દૂર છે. આગામી 48 કલાકમાં તે મુંબઈમાં દસ્તક આપી શકે છે. આજે મંગળવારે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમીરગઢ, ઈકબાલગઢ, ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ સર્જાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી સમયમાં 15 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 12 થી 17 જૂન દરમિયાન ફરીથી વરસાદી રાઉન્ડ આવવાની સંભાવના છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

