Site icon Revoi.in

77માં પ્રજાસત્તાક પર્વની તૈયારીઓ, જાણો ક્યા જિલ્લામાં કોણ તિરંગો ફરકાવશે

Social Share

ગાંધીનગર 19 જાન્યુઆરી 2026:  રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9:૦૦ કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલશે. રાજ્યકક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાશે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળથી રાષ્ટ્રીય પર્વોની રાજ્યકક્ષાની ઉજવણી જુદા-જુદા જિલ્લાઓમાં જનભાગીદારીથી કરવાની શરૂ કરાવેલી નવતર પરંપરા અનુસાર 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં કરાશે. આ રાષ્ટ્રીય પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓના તાલુકા મથકોએ જે ઉજવણી થશે તેમાં નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી અમદાવાદમાં મકરબા ખાતે ધ્વજવંદન કરાવશે. આ ઉપરાંત રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ જે તે જિલ્લાઓના તાલુકા મથકોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરાવશે.

રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ સંદર્ભમાં જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ નાણાંમંત્રી  કનુભાઈ દેસાઈ, નવસારી જિલ્લાના ચિખલીમાં, કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી રાજકોટ જિલ્લાના જેતપુરમાં, ઊર્જા મંત્રી  ઋષિકેશ પટેલ ગાંધીનગર જિલ્લાના માણસામાં, શ્રમ-રોજગાર મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા પોરબંદર જિલ્લાના રાણાવાવમાં, આદિજાતિ વિકાસ મંત્રી  નરેશભાઈ પટેલ વલસાડ જિલ્લાના ઉમરગામમાં, વન અને પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયા દાહોદ જિલ્લાના ગોવિંદગુરૂ-લિંબડીમાં, શિક્ષણ મંત્રી  ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સાબરકાંઠાના હિંમતનગરમાં, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  રમણભાઈ સોલંકી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં, ધ્વજવંદન કરાવશે.

જ્યારે જળ સંપત્તિ રાજ્ય મંત્રી  ઈશ્વરસિંહ પટેલ નર્મદા જિલ્લાના એકતાનગર(કેવડિયા)માં, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ડૉ. મનિષાબેન વકિલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં, મત્સ્યોદ્યોગ મંત્રી  પરષોત્તમ સોલંકી ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં, શ્રમ-રોજગાર રાજ્યમંત્રી  કાંતિભાઈ અમૃતિયા કચ્છના ભુજમાં, કૃષિ રાજ્ય મંત્રી  રમેશભાઈ કટારા પંચમહાલ જિલ્લાના હાલોલમાં, શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં, કાયદા રાજ્ય મંત્રી  કૌશિકભાઈ વેકરીયા, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં, વાહન વ્યવહાર રાજ્ય મંત્રી  પ્રવિણભાઈ માળી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં, રમત ગમત રાજ્ય મંત્રી  ડૉ. જયરામભાઈ ગામિત ડાંગ જિલ્લાના આહવામાં, ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી  ત્રિકમભાઈ છાંગા અમરેલી જિલ્લાના ખાંભામાં, નાણાં રાજ્ય મંત્રી  કમલેશભાઈ પટેલ વડોદરા જિલ્લાના વાઘોડિયામાં, મહેસૂલ રાજ્ય મંત્રી  સંજયસિંહ મહિડા આણંદ જિલ્લાના ખંભાતમાં, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી  પી.સી. બરંડા મહિસાગર જિલ્લાના કડાણામાં, કુટીર ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર પાટણ જિલ્લાના શંખેશ્વરમાં અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા બોટાદ જિલ્લાના ગઢડાનો સમાવેશ થાય છે.

રાજ્યના જે 9 જિલ્લાઓના તાલુકા મથકોએ જિલ્લા કલેક્ટરઓ દ્વારા પ્રજાસત્તાક દિને ધ્વજવંદન થવાનું છે તેમાં અરવલ્લીના મેઘરજ, બનાસકાંઠાના ઓગડ, ભરૂચના આમોદ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ તેમજ જામનગરના કાલાવડ અને જુનાગઢના કેશોદ ઉપરાંત મોરબી જિલ્લાના ટંકારા તથા સુરત જિલ્લાના માંડવી અને તાપીના ઉચ્છલમાં સંબંધિત કલેક્ટરો ધ્વજવંદન કરાવશે.

Exit mobile version