1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું
પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે  પ્રથમ સ્થાન મેળવ્યું

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું

0
Social Share
  • પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં જનતા જનાર્દનના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી
  • સતત ત્રીજા વર્ષે પણ ગુજરાતના ટેબ્લોએ પ્રથ સ્થાન હાંસલ કર્યું
  • ટેબ્લોના કલાકારોની સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધામાં પણ ગુજરાતનો મણિયારો રાસ ત્રીજા ક્રમે

ગાંધીનગરઃ 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ”ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા છે. ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસનું પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે તેની ગૌરવપૂર્ણ સિધ્ધિ અંગે ગુજરાતના સૌ નાગરીકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીને  આભાર વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ “વિરાસત ભી, વિકાસ ભી”નો જે મંત્ર આપ્યો છે તેને ગુજરાત જનભાગીદારી થી  સાકાર કરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર વિવિધ રાજ્યો અને સરકારના વિભાગોના 31 ટેબ્લોઝ રજૂ કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તે વિકાસ ગાથા પ્રાચીન વિરાસતની ઝાંખી સાથે પ્રસ્તુત થઈ હતી.

આ પરેડમાં રજૂ થતા વિવિધ ટેબ્લૉઝ માટે નાગરિકો પોતાના વોટ ઓનલાઇન આપીને “પોપ્યુલર ચોઇસ”ના શ્રેષ્ઠ ટેબ્લોને પસંદ કરી શકે તેવો નવતર અને પારદર્શી અભિગમ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અપનાવવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના માહિતી વિભાગે આ પરેડમાં પ્રસ્તુત કરેલા ટેબ્લો ‘આર્નતપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદભૂત સંગમ’ને સૌથી વધુ વોટ જનતા જનાર્દને આપ્યા છે. આ વિશાળ સંખ્યાના વોટિંગથી ગુજરાતના ટેબ્લો પોપ્યુલર ચોઇસમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે રહ્યો છે.

ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા 2023ના 74માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડથી શરૂ કરી છે. આ પરેડમાં રાજ્ય સરકારે “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત”ના ટેબ્લોમાં વડાપ્રધાનએ પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી.

ગત વર્ષ-2024ના 75માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજુ કરેલા ટેબ્લો “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”ની પ્રસ્તુતિને પણ ‘પોપ્યુલર ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ 2024માં બીજો ક્રમ મેળવ્યો હતો. આ જ પરંપરામાં વધુ એક સિધ્ધિ મેળવીને 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજી વાર પ્રથમ ક્રમ મેળવીને હેટ્રીક સર્જવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.

76માં પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલા આ ટેબ્લોમાં – સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ” શીર્ષક અંતર્ગત જે ઝાંખીની રજૂઆત થઇ હતી તેણે ખરા અર્થમાં ન માત્ર રાજ્ય પરંતુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસના અભૂતપૂર્વ સંમિશ્રણને અસરકારકતાથી સાકાર કર્યું હતું.

ગુજરાતની ઝાંખીના 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને 21મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પો સી-295  એરક્રાફ્ટ ઉત્પાદન યુનીટ, સેમી કન્ડક્ટર ચીપ અને તેના આનુષંગીક ઉપકરણો તથા અટલ બ્રિજ વગેરનું  બખૂબી નિદર્શન કરવામાં આવ્યું હતું.

ગુજરાતની પારંપારીક લોક સંસ્કૃતિના મેરૂ સમાન આ મણિયારા રાસને વિવિધ રાજ્યોના ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં પણ ત્રીજું સ્થાન મળ્યું છે. આ સમગ્ર પ્રસ્તુતિ અને ઝાંખીએ પરેડમાં સૌના મન મોહી લીધા હતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code