અમદાવાદ, 7 જુન, 2026 : Prices of school uniforms, bags, shoes and socks increase મોંધવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. તેથી મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. ત્યાં શાળાઓ ખૂલતા પહેલા જ યુનિફોર્મ, સ્કૂલબેગ, શુઝ અને મોજાના ભાવમાં 10 ટકા જેટલો વધારો થયો છે. ઉપરાંત સ્કૂલવાનના ભાડામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે વાલીઓને વધુ બોજ સહન કરવો પડશે.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સીધી અસર હવે વિદ્યાર્થીઓના સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ બેગ અને શૂઝ-મોજા પર પણ જોવા મળી રહી છે. આવતી કાલે સોમવાર તા. 8 જૂનના રોજ ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની સાથે જ નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. ત્યારે બાળકોના શાળાના યુનિફોર્મ તેમજ પાઠ્યપુસ્તકોની ખરીદી માટે વાલીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વખતે સ્કૂલ યુનિફોર્મ સહિતની ચીજવસ્તુઓ 7%થી 10% જેટલી મોંઘી થઈ છે, જેથી આ મોંઘવારી વચ્ચે બાળકોને શિક્ષણ આપવું વાલીઓ માટે કપરૂ બની રહ્યું છે.
શહેરમાં સ્કૂલોના યુનિફોર્મ વેચતા એક શોપના સંચાલકે જણાવ્યું હતું કે, અમે વર્ષોથી યુનિફોર્મના વેચાણનું કામ કરીએ છીએ. આજથી 10 વર્ષ પહેલા પરિસ્થિતિ એવી હતી કે યુનિફોર્મ સહિતની ખરીદીની સિઝન બે મહિના સુધી ચાલતી હતી, પરંતુ હવે આ સિઝનનો પીરિયડ ટૂંકો થઈને માત્ર 8થી 10 દિવસનો જ રહ્યો છે. વાલીઓ છેલ્લી ઘડીએ જ ખરીદી માટે ધસારો કરતા હોય છે. વૈશ્વિક યુદ્ધની અસરને કારણે રો-મટીરિયલ (કાચો માલ) મોંઘો થતાં દરેક પ્રોડક્ટમાં 7%થી 10%નો ભાવવધારો થયો છે. મહારાષ્ટ્ર, ભિવંડી, ભીલવાડા અને લુધિયાણાથી તમામ ચીજવસ્તુઓ મંગાવવામાં આવે છે. ત્યાં રો-મટીરિયલ મોંઘું થતાં સ્વાભાવિક રીતે જ અહીં કોસ્ટિંગ ઊંચું આવ્યું છે. હાલમાં કે.જી.ના બાળકનો સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ શૂઝ અને મોજાનો સેટ રૂ.1,100થી રૂ.1,500 સુધી પહોંચ્યો છે.

