Site icon Revoi.in

પ્રધાનમંત્રી કુવૈતના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

Social Share

નવી દિલ્હીઃ કુવૈતના અમીર મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કુવૈતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર એનાયત કર્યો. કુવૈતના પ્રધાનમંત્રી મહામહિમ શેખ અહમદ અલ-અબ્દુલ્લાહ અલ-અહમદ અલ-સબાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ આ પુરસ્કાર ભારત અને કુવૈત વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા, કુવૈતમાં ભારતીય સમુદાય અને ભારતના 1.4 અબજ લોકોને સમર્પિત કર્યો હતો.  43 વર્ષ બાદ ભારતના પ્રધાનમંત્રીની કુવૈતની આ ઐતિહાસિક મુલાકાત પર એવોર્ડ એનાયત થવાથી આ પ્રસંગમાં વિશેષ અર્થ ઉમેરાયો. આ પુરસ્કારની સ્થાપના 1974માં કરવામાં આવી હતી અને ત્યારથી તે પસંદગીના વૈશ્વિક નેતાઓને એનાયત કરવામાં આવે છે.

દરમિયાન ભારત અને કુવૈત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઐતિહાસિક બે દિવસીય મુલાકાત દરમિયાન સંબંધોને ‘વ્યૂહાત્મક ભાગીદારી’ સુધી વધારવા માટે સંમત થયા હતા અને રવિવારે સંરક્ષણ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને નિયમિત કરવા માટે સમજૂતીના મેમોરેન્ડમ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.

સંરક્ષણને વ્યૂહાત્મક ભાગીદારીના એક મહત્વપૂર્ણ ઘટક તરીકે ઓળખતા, બંને દેશો કહે છે કે એમઓયુ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવા માટે જરૂરી માળખું પ્રદાન કરશે. આમાં સંયુક્ત લશ્કરી કવાયત, સંરક્ષણ કર્મચારીઓની તાલીમ, દરિયાઈ સંરક્ષણ, દરિયાઇ સુરક્ષા અને સંરક્ષણ સાધનોના સંયુક્ત વિકાસ અને ઉત્પાદનનો સમાવેશ થાય છે.