નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઓગસ્ટના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સવારે 11 વાગ્યે બિહારના ગયા ખાતે લગભગ 13,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ બે ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે અને સભાને સંબોધિત કરશે. ત્યારબાદ, તેઓ ગંગા નદી પર આન્ટા-સિમરિયા પુલ પ્રોજેક્ટની મુલાકાત લેશે અને ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી લગભગ 4:15 વાગ્યે કોલકાતામાં નવા બનેલા વિભાગો પર મેટ્રો ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપશે અને જેસોર રોડ મેટ્રો સ્ટેશનથી જય હિંદ વિમાનબંદર અને પાછળ મેટ્રો રાઈડ કરશે. વધુમાં, તેઓ કોલકાતામાં 5,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી બિહારમાં કનેક્ટિવિટી સુધારવાની તેમની પ્રતિબદ્ધતા અનુસાર, પ્રધાનમંત્રી NH-31 પર 8.15 કિલોમીટર લાંબા આન્ટા-સિમરિયા પુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, જેમાં ગંગા નદી પર 1.86 કિલોમીટર લાંબો 6 લેનનો પુલ પણ સામેલ છે, જે રૂ. 1,870 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવ્યો છે. તે પટનાના મોકામા અને બેગુસરાય વચ્ચે સીધું જોડાણ પ્રદાન કરશે.
આ પુલ જૂના 2-લેન જર્જરિત રેલ-કમ-રોડ પુલ “રાજેન્દ્ર સેતુ”ની સમાંતર બનાવવામાં આવ્યો છે. જે ખરાબ સ્થિતિમાં છે, જેના કારણે ભારે વાહનોને ફરીને રૂટ પર જવાની ફરજ પડે છે. નવો પુલ ઉત્તર બિહાર (બેગુસરાય, સુપૌલ, મધુબની, પૂર્ણિયા, અરરિયા વગેરે) અને દક્ષિણ બિહાર વિસ્તારો (શેખપુરા, નવાદા, લખીસરાય વગેરે) વચ્ચે મુસાફરી કરતા ભારે વાહનો માટે 100 કિલોમીટરથી વધુનું વધારાનું અંતર ઘટાડશે. પ્રધાનમંત્રી NH-31ના બખ્તિયારપુરથી મોકામા સુધીના ચાર-લેન વિભાગનું ઉદ્ઘાટન પણ કરશે, જે લગભગ રૂ. 1,900 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, જે ભીડ ઘટાડશે. બિહારમાં વીજ ક્ષેત્રના માળખાને મજબૂત બનાવતા, પ્રધાનમંત્રી લગભગ રૂ. 6,880 કરોડના બક્સર થર્મલ પાવર પ્લાન્ટ (660×1 MW)નું ઉદ્ઘાટન કરશે. તે વીજ ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે, ઉર્જા સુરક્ષામાં સુધારો કરશે અને પ્રદેશની વધતી જતી વીજળી માંગને પૂર્ણ કરશે.
આરોગ્ય માળખાને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રી મુઝફ્ફરપુર ખાતે હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. સ્વચ્છ ભારતના તેમના વિઝનને આગળ ધપાવતા અને ગંગા નદીના અવિરલ અને નિર્મલ ધારાને સુનિશ્ચિત કરતા, પ્રધાનમંત્રી મુંગેર ખાતે નમામી ગંગે હેઠળ રૂ. 520 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને સીવરેજ નેટવર્કનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આશરે 1,260 કરોડ રૂપિયાના શહેરી માળખાગત પ્રોજેક્ટ્સની શ્રેણીનો શિલાન્યાસ પણ કરશે. તેમજ પ્રદેશમાં રેલ કનેક્ટિવિટીને વેગ આપતા, પ્રધાનમંત્રી બે ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ ઉપરાંત પીએમએવાય-ગ્રામીણ હેઠળ 12,000 ગ્રામીણ લાભાર્થીઓ અને પીએમએવાય-શહેરી હેઠળ 4,260 લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ સમારોહ પણ પ્રધાનમંત્રી દ્વારા કેટલાક લાભાર્થીઓને પ્રતીકાત્મક રીતે ચાવીઓ સોંપવામાં આવશે, આમ હજારો પરિવારોનું ઘર ધરાવવાનું સ્વપ્ન પૂર્ણ થશે.
પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં વિશ્વ કક્ષાના માળખાગત સુવિધાઓ અને વિકસિત શહેરી જોડાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અનુસાર, પ્રધાનમંત્રી કોલકાતામાં મેટ્રો રેલ્વે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. 13.61 કિલોમીટર લાંબા નવનિર્મિત મેટ્રો નેટવર્કનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ રૂટ પર મેટ્રો સેવાઓ શરૂ કરવામાં આવશે. તેઓ જેસોર રોડ મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે, જ્યાં તેઓ જેસોર રોડથી નોઆપરા-જય હિંદ વિમાનબંદર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. વધુમાં, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા, તેઓ સિયાલદાહ-એસ્પ્લેનેડ મેટ્રો સેવા અને બેલેઘાટા-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેવાને પણ લીલી ઝંડી આપશે. તેઓ જેસોર રોડ મેટ્રો સ્ટેશનથી જય હિંદ વિમાનબંદર અને પાછળ મેટ્રો રાઈડ પણ કરશે. જાહેર સમારંભમાં, પ્રધાનમંત્રી આ મેટ્રો વિભાગો અને હાવડા મેટ્રો સ્ટેશન પર નવા બનેલા સબવેનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પ્રદેશમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રી 1,200 કરોડ રૂપિયાથી વધુના 7.2 કિમી લાંબા છ-લેન એલિવેટેડ કોના એક્સપ્રેસવેનો શિલાન્યાસ પણ કરશે. તે હાવડા, આસપાસના ગ્રામીણ વિસ્તારો અને કોલકાતા વચ્ચે કનેક્ટિવિટી વધારશે, મુસાફરીના કલાકોની બચત કરશે અને પ્રદેશમાં વેપાર, વાણિજ્ય અને પર્યટનને નોંધપાત્ર વેગ આપશે.