Site icon Revoi.in

સુરતમાં વીજ ગ્રાહકોની સંમતી વિના સ્માર્ટ મીટર લગાવવા સામે કરાયો વિરોધ

Social Share

સુરત, 19 ફેબ્રુઆરી 2026: દક્ષિણ ગુજરાતમાં વીજળીના સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. તેના વીજ ગ્રાહકોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ડીજીવીસીએલના કર્મચારીઓને સ્માર્ટ મીટર લગાવવાનો ટાર્ગેટ આપવામાં આવી રહ્યો છે. જ્યારે વીજ કર્મચારીઓ ગ્રાહકોની સંમત્તી વિના જ સ્માર્ટ મીટરો લગાવી રહ્યા છે. સુરત શહેરના હની પાર્ક રોડ પર આવેલી શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી DGVCLની ટીમનો રહીશોએ ભારે વિરોધ કર્યો હતો. વીજ ગ્રાહકોની મંજુરી કે સંમત્તી લીધા વિના સ્માર્ટ મીટર નાખતા સ્થાનિક મહિલાઓએ ભારે વિરોધ કરતા વાતાવરણ તંગ બન્યું હતું.

સુરત શહેરમાં હની પાર્ક રોડ પર આવેલી શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં ડીજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર ફિટ કરવા માટે સાધનો સાથે પહોંચ્યા, ત્યારે મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. વાત માત્ર વિરોધ પૂરતી મર્યાદિત ન રહેતા, સ્થાનિકો અને કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લોકોનો આક્ષેપ હતો કે તંત્ર કોઈ પણ જાતની પૂર્વ સૂચના આપ્યા વગર સીધું જ મીટર બદલવા માટે દબાણ કરી રહ્યું છે, જે લોકશાહી ઢબે યોગ્ય નથી. વિરોધ કરી રહેલા રહીશોએ વીજ કંપની સામે  ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, કર્મચારીઓ મકાન માલિકોની લેખિત કે મૌખિક મંજૂરી વગર જ સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ઘર અમારું છે અને અમારી મરજી વિરુદ્ધ વીજ કંપની કઈ રીતે કોઈ પણ ઉપકરણ લગાવી શકે? આ બાબતે સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેમણે કામગીરી અટકાવી દીધી હતી.

સોસાયટીના રહીશોનો મુખ્ય તર્ક એ હતો કે તેમની જાણ બહાર મીટર લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રહીશોએ જણાવ્યું કે, જો તેઓ સજાગ ન હોત, તો તેમની ગેરહાજરીમાં જ મીટર બદલી નાખવામાં આવ્યા હોત. આ રીતે અંધારામાં રાખીને કરવામાં આવતી કામગીરી સામે લોકોએ લડાયક મૂડ અપનાવ્યો છે અને અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કામગીરી રોકવા મજબૂર કર્યા હતા.

Exit mobile version