જામનગર,13 ફેબ્રુઆરી 2026: શહેરના દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં વર્ષો પછી સફાળા જાગેલા રેલવે તંત્રએ આ રેલવેની જમીન હોવાનો દાવો કરીને સાત દિવસમાં જગ્યા ખાલી કરવા માટેની નોટિસ ફટકારતા રહિશોએ ભારે વિરોધ કર્યો છે. સ્થાનિક લોકોએ આજે સતત બીજ દિવસે પણ દેખાવો કર્યા હતા. આ દરમિયાન વિરોધ પક્ષના કોર્પોરેટર સહિત સ્થાનિક લોકોની પોલીસ દ્વારા અટકાયત કરાતા લોકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો.
જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીક હનુમાન ટેકરી અને આસપાસની સોસાયટી વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી મકાનો ખાલી કરવા માટેની નોટિસો ફટકારવામાં આવી છે. આ જગ્યા રેલવેની માલિકીની છે, તેમ દર્શાવીને નોટિસો આપવામાં આવી છે અને સાત દિવસમાં જગ્યા ખાલી કરી દેવા જણાવાયું છે. જેના સ્થાનિકોમાં પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. ગત રાત્રિના સમયે મહિલા સહિતના સ્થાનિકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા અને સૂત્રોચાર સાથે જિલ્લા કલેક્ટરના બંગલા તરફ કૂચ કરી હતી. જો કે, પોલીસે તમામને અટકાવ્યા હતા,ત્યારે શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે જણાવીને સમજાવ્યા હતા, ત્યારબાદ લોકો પરત ફર્યાં હતા.દરમિયાન આજે સવારે 11 વાગ્યા બાદ ફરીથી લાલ બંગલા સર્કલમાં લોકો એકત્ર થયા હતા, જેની આગેવાની સ્થાનિક વિસ્તારના વિરોધ પક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચાએ લીધી હતી. જેની આગેવાનમાં મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકાની કચેરીના પટાંણમાં એકત્ર થઈ ગયા હતા અને કમિશનર ને મળવા માટેની જીદ પકડી હતી. આથી પોલીસે કોર્પોરેટર રાહુલ બોરીચા સહિતના નાગરિકોની અટકાયત શરૂ કરી હતી. બે બસ ભરીને સ્થાનિકોને અટકાયત કરીને પોલીસની બસમાં બેસાડ્યા હતા, જેથી અન્ય લોકોના ટોળા વિખેરાયા હતા. જોકે પોલીસ તંત્ર દ્વારા તમામને મોડેથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. પરંતુ રેલવે તંત્રની નોટિસના મામલે હવે શું થાય છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. પોલીસ તંત્ર પણ આ મામલે ઍલર્ટ મોડમાં રહ્યું છે.

