નવી દિલ્હીઃ પાકિસ્તાન ભારત વિરોધી પ્રવૃતિ અટકાવવાનું નામ લેતુ નથી. પંજાબના અમૃતસરમાંથી પાકિસ્તાનથી મોકલવામાં આવેલા આધુનિક હથિયારો મળી આવ્યાં છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પાસેથી એકે સીરિઝની એસોલ્ડ રાઈફલ અને આધુનિક પિસ્તોલ મળી આવી છે.
અમૃતસર પોલીસે પાકિસ્તાનથી ચાલતા હથિયાર તસ્કરીના મોડ્યુલનો પર્દાફાસ કરીને સરહદ નજીક આવેલી રાવી નદી પાસેના ધોનેવાલ ગામમાંથી આધુનિક હથિયારો અને મોટી સંખ્યામાં કારતુસ ઝડપી લીધા છે. બે એકે સીરિઝની એસોલ્ડ રાઈફલ, આઠ મેગેજીન, 30 બોરની પિસ્તોલ અને બે મેગેજીન, 30 બોરના 50 જીવીત કારતુસ, 7.62 એમએમના 245 કારતુસ જપ્ત કરવામાં આવ્યાં છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ધોનેલાવ વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. દરમિયાન રાવી નદી પાસેથી હથિયારો ભરેલી બેગ મળી આવી હતી. હથિયારો ક્યાંથી અને કોણે મોકલ્યા અને અહીં કોમ લઈને આવ્યું છે તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પોલીસે તમામ હથિયારો જપ્ત કરીને તપાસ અર્થે એફએસએલ મોકલી આપ્યાં હતા. તેમજ આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ પ્રકરણમાં આગામી દિવસોમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવે તેવી શકયતા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ વધારે તંગ બન્યાં છે. બીજી તરફ ભારતમાં અશાંતિ ફેલાવવા અને અર્થ વ્યવસ્થાને તોડી પાડવાના પાકિસ્તાન દ્વારા કાવતરા કરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામ સ્વરૂપ પાકિસ્તાન દ્વારા હથિયારો અને માદક દ્રવ્યોની ભારતમાં દાણચોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ ભારતીય સુરક્ષાદળોએ સરહદી વિસ્તારોમાંથી હથિયારો અને નશીલા દ્રવ્યો ઝડપી પાડ્યાં હતા.

