ગુજરાત યુનિ.માં પપેટ કળાનો વર્કશોપ: વિદ્યાર્થીઓએ ‘બા અને બાપુ’ પપેટ શો દ્વારા દાંડી યાત્રાની સ્મૃતિ તાજી કરી
અમદાવાદ, 12 માર્ચ 2026: ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ વિભાગ દ્વારા સેમેસ્ટર-૨ ના વિદ્યાર્થીઓ માટે ‘સમૂહ સંચારના માધ્યમ તરીકે પપેટ’ વિષય પર એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ સમૂહ સંચારમાં પપેટ (કઠપૂતળી) ની ભૂમિકા સમજવાની સાથે વિવિધ પ્રકારના પપેટ બનાવવાની કળા શીખી હતી.

વર્કશોપના અંતે વિદ્યાર્થીઓ દ્વારા બે અલગ-અલગ વિષયો પર પપેટ શોની શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ૧૨ માર્ચ, ૧૯૩૦ ના રોજ શરૂ થયેલી ઐતિહાસિક દાંડી યાત્રાને સમર્પિત ‘બા અને બાપુ’ નામનો પપેટ શો રજૂ કરાયો હતો. જેમાં સાદગી, અહિંસા અને હોંસલાના પ્રતિક સમાન દાંડી યાત્રાની સાથે-સાથે ગાંધીજીના જીવનમાં કસ્તુરબાના યોગદાનને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અન્ય એક પ્રસ્તુતિમાં મહોલ્લાની દૈનિક પ્રવૃત્તિઓ, લોકોની વાતો અને સામાન્ય જનજીવનના દૃશ્યોને જીવંત કરવામાં આવ્યા હતા. આ બંને પ્રસ્તુતિઓ માટે વિદ્યાર્થીઓએ શેડો પપેટ, રૉડ પપેટ અને ગ્લવ પપેટનો ખૂબ જ કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પિલવાઈ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડૉ. કાર્તિકેય ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે, “પપેટ શો રજૂ કરવા માટે અગાઉથી ઘણી સઘન તૈયારી કરવી પડે છે. પપેટ કળાની શરૂઆતથી જ કલાકાર પોતાની વાત લોકો સુધી અસરકારક રીતે પહોંચાડે છે.” વધુમાં તેમણે દાંડી યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીજીના ઐતિહાસિક વાક્ય ‘હું અંગ્રેજ શાસનના પાયામાં લૂણો લગાડું છું’ ને યાદ કરી બાપુના જીવનમાં કસ્તુરબાના મહત્વપૂર્ણ યોગદાન વિશે પણ વાત કરી હતી.

આ વર્કશોપને સફળ બનાવવા માટે નિષ્ણાતો વોલ્ટર પીટર, હર્ષદીપસિંહ જાડેજા અને ચિરાગ પારેખ દ્વારા વિદ્યાર્થીઓને પપેટ મેકિંગ અને તેના સંચાલન અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિભાગના અધ્યક્ષ ડૉ. સોનલબેન પંડ્યા, સહ-અધ્યાપક ડૉ. કોમલબેન શાહ અને ડૉ. ભૂમિકાબેન બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.


