1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 242 તાલુકામાં પડ્યો વરસાદ, વિસાવદર 12 ઈંચથી જળબંબાકારની સ્થિતિ
ગુજરાતમાં 242 તાલુકામાં પડ્યો વરસાદ, વિસાવદર 12 ઈંચથી જળબંબાકારની સ્થિતિ

ગુજરાતમાં 242 તાલુકામાં પડ્યો વરસાદ, વિસાવદર 12 ઈંચથી જળબંબાકારની સ્થિતિ

0

અમદાવાદઃ રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાયા બાદ સોમવારે પણ રાજ્યના 242 તાલુકામાં ભારેથી સામાન્ય વરસાદ પડ્યો હતો. જેમાં જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ પડતા આખોયે વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો.  ઉપરાંત મેંદરડામાં પણ આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો.તેમજ પાટણના રાધનપુરમાં સાડા 6 ઈંચ, મહેસાણાના બેચરાજીમાં 6 ઈંચ, અને વેથલી, મહેસાણા, ભાંભરમાં પાંચ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સોમવારે સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 242 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે સોમવારે રાતના 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં 62 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં માણસા,કડી, પ્રાંતિજમાં એક ઈંચ, અને બાકીના તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ  દિવસ સુધી વરસાદી માહોલ રહેશે, જેમાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમ મધ્યપ્રદેશ પરથી થઈને રાજસ્થાન અને ગુજરાત પર આવશે. ત્યાર બાદ તે કચ્છ પર થઈને અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતા છે. રાજ્યમાં ભાદરવો ભરપૂર બન્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં 126 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયાં છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જુનાગઢ સહિતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ-રાજકોટમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે

હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.19 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ બંને વિસ્તારમાં 4.6 ઇંચથી લઇ 9.6 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

રાજ્યના અનરાધાર વરસાદથી 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.