
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં નવસારીના ગણદેવી તાલુકામાં ત્રણ ઈંચ, અને નવસારીમાં અને જલાલપોરમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આકાશ ઘટાટોપ વાદળોથી ગોરંભાયુ છે. અને વાતાવરણમાં ભેજના વધેલા પ્રમાણથી ઉકળાટ વધતા રાત સુધીમાં ધોધમાર વરસાદ પડે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.
દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયાં બાદ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતની સાથે વડોદરામાં પણ ભાર પવન સાથે વરસાદ પડ્યો હતો.. શહેરમાં બફારાથી ત્રાસેલા શહેરીજનોએ વરસાદને કારણે થયેલી ઠંડકમાં રાહતનો શ્વાસ લીધો છે. જોકે સૂસવાટાભેર પવન સાથે વરસાદ વરસવાથી અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો અને શહેરમાં અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં અને 3થી 4 સ્થળોએ ઝાડ નીચે વાહનો દબાઇ ગયાં હતાં અને અનેક સ્થળોએ ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે, જોકે છેલ્લા કેટલાક દિવસથી ગરમીના અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી છે. નવસારી શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લેતા ગરમી સાથે બફારાએ માઝા મૂકી હતી. ત્યારે આજે સવારે વરસાદે એન્ટ્રી લેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેમાં નવસારીમાં કાળઝાળ ગરમીથી મુક્તિ અપાવતા વરસાદે ઠંડક પાથરી છે. એક કલાક વરસાદ વરસ્યા પછી વરસાદે વિરામ લીધો હતો.