અમદાવાદ, 1 જુલાઈ 2026 : Rain in 59 talukas till this afternoon રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના વિધિવત આગમન બાદ આજે બુધવારે સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં 59 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં વલસાડના વાપીમાં ચાર કલાકમાં 5 ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા છે. જ્યારે ઉંમરગાંવમાં 3.39 ઈંચ, છોટાઉદેપુરના કવાંટમાં સવા બે ઈંચ, તેમજ પારડી, વલસાડ, કાલોલ, પલસાણા, તિલકવાડા, નસવાડી, નર્મદાના ગરૂડેશ્વર તથા સૌરાષ્ટ્રમાં સૂત્રાપાડા, માણાવદર, વંથલી, માંગરોળ, જુનાગઢ, ઉપલેટા, અને જેતપુરમાં ઝાપટાંથી લઈને બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અને બપોરના 2 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વાપીમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચલા રોડ, કચીગામ રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે. તો રેલવે અંડર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. સુરતમાં ઉધના નજીક રોડ બેસી જતા એસટી બસ ખૂંપી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતી કાલે 2જી જુલાઈથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે બપોર સુધીમાં 42 તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 75 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં નવસારીમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો.

