Site icon Revoi.in

ડાંગમાં વરસાદને લીધે સર્જાયા આહલાદક દ્રશ્યો, શિવઘાટનો ઘોઘ વહેતો થયો

Social Share

સાપુતારાઃ ગુજરાતના હીલ સ્ટેશન ગણાતા સાપુતારામાં હાલ વરસાદને લીધે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર પાણીના ઝરણા અને ઘોઘ જોવા મળી રહ્યા છે. પ્રકૃતિએ સોળે શણગાર સજ્યો હોય એવા વાતાવરણને માણવા માટે પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં ડાંગમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. સાપુતારામાં પ્રવાસીઓ વધી રહ્યા છે. ત્યારે સાપુતારા આવતા સહેલાણીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. નદી, નાળા, કોતરો, જળધોધમાં ઉતરવું નહીં અને ખીણ પ્રદેશ, ડુંગરો, વન્યજીવો સાથે જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી ન કરવા અપીલ કરવામાં આવી છે.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી શિવઘાટ 10 મિનિટના અંતરે છે. શિવ ઘાટ આહવા-વઘઈ અને બીજી તરફ આહવા-સાપુતારા રોડ પર આવેલો હોવાથી તેની મુલાકાત લેવા માટે લોકો ઊભા રહે છે. શિવઘાટ એક ધોધ જેવું સ્થળ છે. ત્યાં ફક્ત એક નાનો પાણીનો પ્રવાહ વહે છે. આ સ્થળ મુખ્ય માર્ગ પર આવેલું હોવાથી, પ્રવાસીઓ આ સ્થળે તેમના વાહનો રોકી અને ધોધની મજા માણતા હોય છે.

દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે. ઉપરવાસમાં વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. ડાંગમાં સૌથી વધુ 10 ઈંચ તો કપરાડામાં પોણા 10 ઈંચ વરસાદ વરસ્યો છે.  ડાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ પ્રવાસીઓ ઉમટ્યા છે. સાપુતારા અને તળેટી વિસ્તારોમાં વરસાદ પડતા અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે. ડાંગ જિલ્લાની ઓળખ સમાન અંબિકા નદી ઉપર આવેલો ગીરા ધોધ પણ સક્રિય થઈ ગયો છે. ગીરાધોધ સક્રિય થતા પ્રવાસીઓમાં આનંદ છવાયો છે. જિલ્લાના સુબીર આહવા અને વઘઇ તાલુકામાં હાલમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તો જિલ્લાની અંબિકા પૂર્ણાં અને ખાપરી નદીઓ બે કાંઠે વહેતી થઈ.

ડાંગના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલા ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો છે. ડાંગ જિલ્લામા વરસી રહેલા અવિરત વરસાદને લઈ ગીરા ધોધમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ અંબિકા નદી પર આવેલા ગીરાધોધ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. જેથી પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવા તંત્રએ સૂચનાઆપી.